Western Times News

Gujarati News

હાથશાળ-હસ્તકલા ક્ષેત્રના કારીગરોનું ‘રાજ્ય એવોર્ડ’થી કરાશે સન્માન

તા.૭ મી ઓગષ્ટ ‘નેશનલ હેન્ડલુમ ડે’-કુટિર ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે એવોર્ડ વિતરણ તથા મેળા-પ્રદર્શનનું ઉદઘાટન કરાશે

ODOP અંતર્ગત તા.૭ થી ૧૬ ઓગષ્ટ દરમિયાન હાથશાળ-હસ્તકલાની વિવિધ ક્રાફ્ટના ૨૦ થી વધુ જીવંત નિદર્શન તથા ૧૨૦ જેટલા ક્રાફ્ટ સ્ટોલ પ્રદર્શન-સહ-વેચાણ માટે ઊભા કરાશે

‘નેશનલ હેન્ડલુમ ડે’ ની ઉજવણી National Handloom day celebration નિમિત્તે આગામી તા.૭મી ઑગસ્ટના રોજ અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે હાથશાળ-હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહિત કરવા કુટિર ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિમાં “રાજ્ય એવોર્ડ વિતરણ સમારંભ” યોજાશે તેમજ તા.૭ થી ૧૬ ઓગષ્ટ, ૨૦૨૩ સુધી યોજાનાર ODOP અંતર્ગત હાથશાળ-હસ્તકલા પ્રદર્શન-સહ વેચાણ મેળાનું પણ ઉદધાટન કરાશે.

મહાત્મા ગાંધીજીના વસ્ત્ર ઉત્પાદનમાં સ્વાવલંબી બનવાના અને સ્વદેશી કાપડ તથા વસ્ત્રોનો ઉપયોગ કરીને રાષ્ટ્રના ઉત્થાનમાં ભાગીદાર બનવાના ઉમદા વિચારો ધ્યાને લઇને ભારતમાં પ્રતિ વર્ષ ૭ મી ઓગષ્ટ “હેન્ડલુમ ડે” તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ- ૨૦૧૬ અન્વયે રાજ્યના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉચ્ચ સિધ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિગત કારીગરોને સન્માન-પારિતોષિક(પુરસ્કર) માટે “રાજ્ય એવોર્ડ વિતરણ સમારંભ”નું આયોજન કરાયું છે. આ યોજનામાં રાજ્ય એવોર્ડ અન્વયે ગુજરાતની વિવિધ હાથશાળ-હસ્તકલામાં ટેક્ષ્ટાઇલ, ભરતકામ, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડુ તથા વાંસકામ/મેટલ ક્રાફટ, અન્ય ક્રાફટ એમ કુલ ૪-સેકટરવાઇઝ ક્રાફટ પૈકી દરેક ક્રાફટમાં દરેક કારીગરને પ્રથમ એવોર્ડ માટે રૂ.૧.૦૦ લાખ અને દ્રિતીય એવોર્ડ માટે રૂ.૫૦,૦૦૦ એમ કુલ ૮ પારિતોષિક ઉપરાંત ઉત્કૃષ્ઠ મહિલા કારીગર એવોર્ડ માટે રૂ.૧.૨૫ લાખ, યુવા કારીગર એવોર્ડ માટે રૂ.૧.૦૦ લાખ તથા લુપ્ત થતી કલાના કારીગર એવોર્ડ માટે રૂ.૧.૫૧ લાખ મળી કુલ વાર્ષિક ૧૧ એવોર્ડ કારીગરોને એનાયત કરવા તેમજ શાલ-તામ્રપત્ર અર્પણ કરવાની જોગવાઇ છે.

જેના ભાગરૂપે વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૨ ના દર વર્ષના ૧૧ મળી કુલ ૪૪ કારીગરોને એવોર્ડી કારીગર દિઠ રોકડ પુરસ્કાર રૂ.૫૦,૦૦૦ થી રૂ.૧,૫૧,૦૦૦ સુધીના કુલ રૂ.૩૯,૨૯ લાખનાં રોકડ પુરસ્કારો આપી તામ્રપત્ર-સર્ટીફીકેટ, શાલથી સન્માનિત કરવામાં આવશે. જેમા ઉત્કૃષ્ઠ ૪-યુવા કારીગર, ૪-ઉત્કૃષ્ઠ મહિલા કારીગર તથા ૪-લુપ્ત થતી કલાના કારીગરોનાં સમાવેશ સાથે ૧૯- મહિલા કારીગર, ૨૫-પુરૂષ કારીગર મળી કુલ ૪૪-કારીગરોને રાજ્ય એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. રાજ્ય એવોર્ડ વિતરણ સમારંભ કાર્યક્રમમાં ૩૦૦૦ થી વધુ કલા-કારીગરો જોડાનાર છે.

આ કાર્યક્રમ દરમિયાન કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ કચેરી હસ્તકની શ્રી વાજપેયી બેંકેબલ યોજના હેઠળ ૨-લાભાર્થીઓને ૧-રીક્ષા તથા ૧-પીકઅપ વાન આપવામાં આવશે.

આ અવસરે અકોટા સ્ટેડીયમ મેદાન, વડોદરા ખાતે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી. – ગરવી ગુર્જરી દ્વારા ODOP (One District One Product) અંતર્ગત તા.૭ થી ૧૬ ઓગષ્ટ દરમિયાન હાથશાળ-હસ્તકલાની વિવિધ ક્રાફ્ટના ૨૦ થી વધુ જીવંત નિદર્શન તથા ૧૨૦ જેટલા ક્રાફ્ટ સ્ટોલનો સમાવેશ કરી પ્રદર્શન-સહ-વેચાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

“હેન્ડલુમ ડે” નિમિત્તે રાજ્યના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રના કારીગરોને સન્માનિત કરવા તેમજ પ્રદર્શન- સહ-વેચાણનું આયોજન કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ હસ્તકના ઇન્ડેક્ષ્ટ-સી તથા ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી-ગરવી ગુર્જરી દ્વારા કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ કારીગરો સ્વાવલંબી બને તેમજ રાજ્યના અંતરિયાળ ગામોનાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરો દ્વારા રાજ્યના ભવ્ય, ભાતિગળ અને વૈવિધ્યપૂર્ણ કલા-વારસાની ગુજરાતની હસ્તકલાને ઉજાગર કરવાનો છે.

કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા રાજ્યમાં કુટિર અને ગ્રામોદ્યોગ પ્રવૃત્તિનો વ્યાપ વધારી પૂરક રોજગારીની તકોનું નિર્માણ કરવું, કૌશલ્ય સુધારણા, ટેકનોલોજી સુધારણા, નાણાકીય સહાય, બજાર પ્રોત્સાહન અને આંતર માળખાકીય સુવિધાના વિકાસ દ્વારા કામદારો/કારીગરોને સક્ષમ કરી, તેઓની આવકમાં વધારો કરી, તેઓના જીવન ધોરણની ગુણવત્તામાં સુધારો કરવા કાર્યરત છે. રાજ્યના કુટિર અને ગ્રામોદ્યોગ હેઠળની વિવિધ યોજના તથા તેના હસ્તકના બોર્ડ-નિગમ- સંસ્થાઓ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી.,

ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશન લી., ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલેજી સંસ્થાન અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેન્શન કોટેજ (ઇન્ડેક્ષ્ટ-સી) દ્વારા યોજનાઓનું અસરકારક અમલીકરણ કરવા આવી રહ્યું છે. તેમજ જે કચેરીઓ હસ્તકની વિવિધ યોજનાઓનાં અસરકારક આધુનિકરણ અમલીકરણ માટે ગુજરાતનાં ૩૩-જિલ્લાઓમાં ઇ.ડી.આઇ.આઇ. મારફત હસ્તકલા સેતુ યોજનાની પણ કામગીરી કરવામાં આવી રહી છે.

આ રાજ્ય એવોર્ડ વિતરણ સમારંભ ઈન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી ડી.એમ. શુકલ  તેમજ ODOP (One District One Product) અંતર્ગત મેળા-પ્રદર્શનમાં ‘હસ્તકલા સેતુ યોજના-ઇ.ડી.આઇ.આઇ.ના સંકલનથી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી.ના મેનેજીંગ ડીરેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘના દિશા-સૂચન હેઠળ સૂક્ષ્મસ્તરીય આયોજન  કરવામાં આવ્યું છે. હેન્ડલૂમ ડે નિમિત્તે આ આયોજનો થકી ગુજરાતની હસ્તકલાને જીવંત રાખી, વિકસાવી કલા-કસબીઓને રોજગારી પુરી પાડવા સાથે પ્રોત્સાહિત કરી સન્માનિત કરવા માટેનું આ આયોજન  કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કમિશનર અને સચિવ શ્રી પ્રવીણ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.