Western Times News

Gujarati News

4 હજારથી શરૂઆત કરનાર આ મહિલાની આજે ૫ લાખ કરતા પણ વધુ આવક

G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સ: ‘ઇન્ડિયા@૭૫:મહિલાઓનું યોગદાન’ વિષય પર પ્રદર્શન

પાબીબેન બન્યા અન્ય મહિલાઓ માટે પથદર્શક-પાબીબેન ડોટકોમ બની બ્રાન્ડ: 300થી વધુ મહિલાઓને મળી ઓળખ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મહિલા સશક્તીકરણ પર G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ આ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરાવ્યો હતો.

જેમાં ‘ઇન્ડિયા@૭૫:મહિલાઓનું યોગદાન’ થીમ આધારિત પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં મહિલાઓ માટે પથદર્શક બનનાર પાબીબેનનો સ્ટોલ પણ છે.

ગુજરાત કલા, સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યોનું અદભૂત મિશ્રણ છે. તેમાં પણ કચ્છ તો કળા અને સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર છે. કચ્છના લોકોને ખાસ કરીને ત્યાંની મહિલાઓને આ કળા વારસામાં મળી છે. તેમની અંદર રહેલી કળાને આત્મનિર્ભર બનવાનું શસ્ત્ર બનાવી પોતાની જાતને સશક્ત બનાવી રહી છે.

મહિલાઓ તેમના ઘરની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી રહી છે. સાથે જ તે ઘર અને કાર્યસ્થળ બંનેની જવાબદારીઓ પણ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. આવી જ એક મહિલા છે પાબીબેન

આમ તો આજે કોઈ એવું ક્ષેત્ર નથી કે જેમાં મહિલાઓએ કાઠુ ન કાઢ્યુ હોય પરંતુ કેટલીક મહિલાઓ એવી છે જેમને ન માત્ર શુન્યમાંથી સર્જન કર્યુ હોય પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા હોય. અંજાર તાલુકાના ભાદરોઈ ગામના પાબીબેન રબારી કે જેમના નામની બેગ આજે વિશ્વ વિખ્યાત છે

અને તેઓ પાબીબેન ડોટકોમના નામે ઓળખાય છે. લગ્ન પછી 2016માં તેમની કળાને તેઓએ બ્રાન્ડ બનાવવાનુ નક્કી કર્યુ અને કચ્છી હસ્તકળાનો ઉપયોગ કરી એક બેગ બનાવ્યું અને તેનુ ઓનલાઈન ટ્રેડીંગ પણ શરૂ કર્યુ અને આજે તે એક બ્રાન્ડ બની ગઈ છે. કચ્છના એક નાના ગામના પાબીબેન આજે પાબીબેન ડોટકોમના નામે ન માત્ર ગુજરાત-કચ્છ કે ભારત પરંતુ વિદેશમાં પણ ઓળખાય છે.

નાનપણથી જ પાબીબેનને કંઈક અલગ કરવાનો વિચાર હતો પરંતુ તેમના માટે સામાજિક બંધન અને માન્યતામાંથી બહાર આવી કંઈક અલગ કરવુ એક સંઘર્ષ હતો, જો કે પતિનો સહયોગ મળ્યો અને સામાજીક સંસ્થાઓની મદદથી તેઓએ મહિલાઓને સાથે જોડી વિવિધ વસ્તુઓ સાથે કચ્છી ભરતવાળી બેગ બનાવવાનુ નક્કી કર્યુ અને આજે એ એક બ્રાન્ડ છે.

પાબીબેને જ્યારે પર્સ સહિતની વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી ત્યારે 5 મહિલાઓ સાથે તેઓએ કામ શરૂ કર્યુ હતું. તેમના ફેમસ થયેલા પર્સની કારણે તેઓએ નામના મેળવી અને પોતાની સાથે અન્ય મહિલાઓને પણ પગભર કરવાનુ નક્કી કર્યુ. આજે પાબીબેન સાથે 300 મહિલાઓ જોડાયેલી છે, જેઓ કારીગરીનું કામ કરી પૈસા અને નામ બંને કમાઈ રહ્યા છે.

પાબીબેનના બેગ આંતરરાષ્ટ્રીય ફેશન વોકમાં ઉપયોગ થાય છે. આ સાથે દેશ-વિદેશથી તેની ઓનલાઇન ડીમાન્ડ પણ ઘણી છે. સૌ પ્રથમ માત્ર ૪ હજારની કમાણીથી શરૂઆત કરનાર પાબીબેન આજે ૫ લાખ કરતા પણ વધુ આવક કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.