દુધ સંગ્રહ માટે ગુજરાતનાં ગામડાઓમાં છેલ્લા 5 વર્ષમાં 500 દૂધઘર બન્યાં
સહકાર થકી સમૃદ્ધિ દુધ ઉત્પાદક મંડળીઓએ રૂ. 14 કરોડથી વધુ ખર્ચે 328 ગોડાઉન પણ બનાવ્યા
ગુજરાત સરકારની મદદથી ડેરી વિકાસ માટે કુલિંગ યુનિટ, ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ, મિલ્ક એડલ્ટરેશન ડિટેકશન મશીન, દુધઘર, ગોડાઉન અને કેટલ ફિડ ફેક્ટરી વિકસાવાઈ
શ્વેતક્રાંતિ માટે વિશ્વ વિખ્યાત ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 વર્ષમાં રૂ.21.62 કરોડના ખર્ચે 500 દુધઘર બનાવવામાં આવ્યા છે. પશુપાલન નિયામકની કચેરીમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષ દરમિયાન ગામડાની ડેરીઓમાં ખાણ, ખાતર અને અન્ય વસ્તુઓના સંગ્રહ માટે રૂ. 14.25 કરોડના ખર્ચે 328થી વધુ ગોડાઉનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્પાદિત થતા દુધના સંગ્રહ અને જાળવણી માટે એટલે કે ડેરી વિકાસ માટે કુલિંગ યુનિટ, ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ, મિલ્ક એડલ્ટરેશન ડિટેકશન મશીન, દુધઘર, ગોડાઉન અને કેટલફિડ ફેક્ટરીના વિકાસ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારોની ડેરીમાંથી ભરાતા દુધની જાળવણી અને સંગ્રહ માટે વર્ષ 2018માં 98 અને 2019માં 95 બલ્ક મિલ્ક કુલર લગાવવામાં આવ્યા હતા. આ માટે અંદાજે રૂ. 17 કરોડથી વધુની આર્થિક સહાય કરવામાં આવી હતી.
છેલ્લા 5 વર્ષમાં આ ક્ષેત્રમાં થયેલી નોંધપાત્ર કામગીરીની વાત કરીએ તો, ગુજરાતના ગામડાઓમાં પશુપાલકો દ્વારા ભરવામાં આવતા દુધની ગુણવત્તાની જાળવણી માટે અને પારદર્શકતા જાળવવા માટે વર્ષ 2018માં 344 અને વર્ષ 2019માં 324 ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ કાર્યરત કરી. મતલબ કે, 667 જેટલા ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ સ્થાપી.
આ ઉપરાંત રાજ્યમાં 4 કુલિંગ યુનિટની સ્થાપના માટે પણ રાજ્ય સરકાર તરફથી 13.75 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી.
દુધ ઉત્પાદનની વૃદ્ધિ માટે પશુ-દાણની પણ અગત્યની ભૂમિકા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના પશુ પાલન વિભાગ દ્વારા વર્ષ 2019-20માં કેટલ ફિડ ફેક્ટરી માટે રૂ. 5 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.
આમ, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં દુધ ઉત્પાદક સહકારી સંઘોમાં માળખાકીય સુવિધા વિકસાવવામાં અનેકવિધ પગલાં ભરવામાં આવ્યા. આ સુવિધાઓના પગલે જ રાજ્યમાં દુધ ઉત્પાદન તેમ જ દુધસંગ્રહ શક્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ શક્ય બની છે.
ઉત્તર ગુજરાતના થરાદ તાલુકાના બુઢણપુરના પશુપાલક શ્રી અણદાભાઈ ચૌધરી આ વર્ષે બનાસ ડેરીએ આપેલા 20.27 ટકાનો ઐતિહાસિક ભાવવધારાથી ખુશ થઈને કહે છે કે કોઈ પણ ધંધામાં આવો નફો નથી. તેઓ આ માટે બનાસ ડેરીનો આભાર માને છે. તો ભાભર તાલુકાના બરવાળા ગામના શ્રી રિન્કુબહેન ચૌધરી કહે છે કે, મારી પાસે 40 પશુઓ અને છે અને આ વર્ષે મેં રૂ. 34 લાખનું દુધ બનાસ ડેરીમાં ભરાવ્યું છે. તેમનું કહેવું છે કે બનાસ ડેરીના કારણે વર્ષો-વર્ષ નફામાં વૃદ્ધિ થઈ રહી છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી કહે છે કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહની દીર્ઘદ્રષ્ટી અને માર્ગદર્શનના કારણે ગુજરાતનો ડેરી ઉદ્યોગ વૈશ્વિક સ્તરે ખ્યાતિ મેળવી રહ્યો છે. શ્રી શંકરભાઈ કહે છે કે, કેન્દ્ર અને ગુજરાત સરકારની પ્રજાલક્ષી નીતિઓના કારણે ડેરી ક્ષેત્રમાં ક્રાંતિ સર્જાઈ છે. તેઓ ઉમેરે છે કે, ગુજરાત સરકાર મંદીના કઠીન સમયમાં પણ દુધ-સંઘોની પડખે રહી પાઉડર નિકાસમાં સબસીડી આપે છે.
આમ,ગુજરાતના ગામડાઓમાં ડેરી વ્યવસાયના કારણે આમૂલ પરિવર્તન આવ્યું છે. જેમાં દુધ-ઉત્પાદક સહકારી મંડળી અને સંઘોને માળખાગત સુવિધાઓ આપવામાં ભારત અને ગુજરાત સરકારની મહત્વની ભૂમિકા રહી છે. આમ, ગુજરાતમાં દુધ-ઉત્પાદનક્ષેત્રે ‘સરકાર’ અને ‘સહકાર’ બંનેની જુગલબંધી ચમત્કારિક પરિણામો સર્જી રહી છે.