Western Times News

Gujarati News

યુથ પાર્લામેન્ટનો પ્રારંભ: વિદ્યાર્થીઓને લોકશાહીના મૂળ, રાષ્ટ્રીય મુદ્દાઓ વિશે શિક્ષિત કરવાનો હેતુ

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને AECC ના સંયુક્ત ઉપક્રમે 4 થી 6 ઓગસ્ટ દરમિયાન યુવા સંસદનું આયોજન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ યુથ પાર્લામેન્ટની પાંચમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો

ત્રણ દિવસીય યુવા સંસદમાં કુલ 1006 વિદ્યાર્થીઓ ભાગ લેશે

Ø  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં આપણે સૌ સાથે મળીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના સૂત્રને સાકાર કરવાની દિશામાં અને નવા ભારતના નિર્માણમાં ગતિભેર આગળ વધી રહ્યાં છીએ.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને  AECC ના સંયુક્ત ઉપક્રમે યોજાનાર યુવા સંસદ (યૂથ પાર્લામેન્ટ)ની પાંચમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો હતો.

આ યુવા સંસદના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન આજે દુનિયાભરના યુવાનોના યુથ આઇકન બન્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રીથી શરૂ કરીને આજે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ દુનિયાભરમાં ભારતનું ગૌરવ વધાર્યું છે અને વિશ્વભરમાં ભારતીયોની ઓળખ બદલી છે.

આજે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં આપણે સૌ સાથે મળીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના સૂત્રને સાકાર કરવાની દિશામાં અને નવા ભારતના નિર્માણમાં ગતિભેર આગળ વધી રહ્યાં છીએ.

વડાપ્રધાનશ્રીના સેવા અને સુશાસનના કાર્યકાળ વિશે   વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક પાર પડ્યું છે. આજે સ્વચ્છતા પ્રત્યે લોકોમાં અનેકગણી જાગૃતિ આવી છે અને લોકો સ્વયંભૂ સ્વચ્છતાના આગ્રહી બન્યા છે.

આપણા વડાપ્રધાનશ્રીની દરમિયાનગીરી થકી બે દેશો વચ્ચેનું યુદ્ધ અટકાવીને આપણા વિદ્યાર્થીઓને વિદેશમાંથી પણ આપણે હેમખેમ સ્વદેશ પરત લાવી શક્યા છીએ.  વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈના કાર્યક્ષમ નેતૃત્વ થકી આજે સામાન્ય પ્રજામાં રાજકારણીઓની છબી બદલાઈ છે.

વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે 5G ના યુગમાં ડિજિટલ ક્ષેત્રે પણ આપણે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. નાના દુકાનદારો સહિત આજે દરેક ધંધા ઉદ્યોગ ક્ષેત્રે યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ સ્વીકાર્ય બન્યું છે.

શ્રી નરેન્દ્રભાઈના દૂરંદેશી નેતૃત્વમાં આજે આપણે સેમિકન્ડક્ટર ચિપ્સ ક્ષેત્રે પણ સફળતા પ્રાપ્ત કરી છે અને આપણું સૌભાગ્ય છે કે તેનું સૌપ્રથમ ઉત્પાદન પણ ગુજરાતના આંગણે થવાનું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

યુવા સંસદ કાર્યક્રમ વિશે વાત કરતા મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, આજે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આવનારા સમયમાં દેશનો વિકાસ અને દેશનું ગૌરવ યુવાઓના હાથમાં છે.

યુવા સંસદ જેવાં આવા કાર્યક્રમો થકી દેશ અને રાજ્યના યુવાનો લોકતાંત્રિક પ્રક્રિયામાં વધુને વધુ સહભાગી થશે તથા લોકશાહી અને તેના મૂલ્યોના જતન પ્રત્યે સભાન બનશે.

ત્રણ દિવસ સુધી યોજાનાર યુથ પાર્લામેન્ટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અનેકવિધ વિષયો પર રસપ્રદ ચર્ચા કરશે તથા માર્ગદર્શન મેળવશે, જે ખૂબ જ અસરકારક વાત છે એમ જણાવીને તેમણે આ યુવા સંસદના પરિણામ અને પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા માટે આયોજકોને અપીલ કરી હતી તથા જરૂરી મુદ્દાઓ અંગે સરકાર તરફથી સહયોગ પૂરો પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.

પુડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ ડો.કિરણ બેદીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ સાધીને તેમના અનેકવિધ પ્રશ્નો અંગે જવાબો આપ્યાં હતાં તથા ઘણાં સામાજિક, શૈક્ષણિક અને પારિવારિક મુદ્દાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ સુધી ચાલનાર આ યુવા સંસદ ઉપક્રમ એ ભારતીય સંસદ અને લોકતાંત્રિક સંસ્થાઓનું શૈક્ષણિક અનુકરણ છે, જેનો હેતુ વિદ્યાર્થીઓને આપણી લોકશાહીના મૂળ, વર્તમાન બાબતો, રાષ્ટ્રીય મુદ્દાઓ અને તેની સમજણ વિશે શિક્ષિત કરવાનો છે. આ ઉપરાંત, યુવા સંસદ યુવાનોમાં નેતૃત્વની ભાવનાને પ્રજ્વલિત કરીને રાજકીય અને લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં તેમની સંવેદનશીલતા, જાગરૂકતા અને સામેલગીરી વધારવામાં પણ મદદરૂપ બને છે.

આ પ્રસંગે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, યૂથ પાર્લામેન્ટના સભ્યો, શિક્ષકો, ટ્રસ્ટી ગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.