Western Times News

Gujarati News

એપ ડેવલપર્સ માટેના ઈન્ટરેક્ટિવ સ્કિલ બિલ્ડિંગ કાર્યક્રમ ‘ConnectWithGoogle’નો પ્રારંભ

સાયન્સ અને ટેક્નોલોજી સચિવશ્રી વિજય નહેરા અને સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી જે.બી. વદરની પ્રોત્સાહક ઉપસ્થિતિ

500 જેટલા એપ ડેવલપર્સને મળશે આ અનોખા સ્કિલ બિલ્ડિંગ કાર્યક્રમનો લાભ

એપ ડેવલપર્સને એપ બનાવવાથી લઈને લોન્ચ કરવી તથા  યુઝર વધારવા સહિત મોનેટાઈઝેશનની નીતિઓ અંગે માર્ગદર્શન ઉપલબ્ધ કરાવાશે

-: સાયન્સ અને ટેક્નોલોજી સચિવ શ્રી વિજય નહેરા :-

Ø  નવી આઇટી પોલીસી અને નવી સ્ટાર્ટઅપ પોલિસી આઇટી સહિત વિવિધ ક્ષેત્રે કામ કરી રહેલા સ્ટાર્ટ અપ અને ડેવલપર કમ્યૂનિટીને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા પર આધારિત હશે

Ø  આગામી દિવસોમાં મ્યુઝિકલ ફાઉન્ટેન સહિત અન્ય રસપ્રદ ઉપક્રમો સાયન્સ સિટી ખાતે ઉપલબ્ધ બનશે.

Ø  ગુજરાત આજે આઈટી ક્ષેત્રે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.

Ø  આવા સ્કિલ બિલ્ડિંગ કાર્યક્રમો થકી ગુજરાતના એપ ડેવલોપર્સ ગ્લોબલ યુઝર બેઝને ટાર્ગેટ કરી શકશે તથા ક્વોલિટી એપ્સ ડેવલપ કરી શકશે

ગુજરાત સાયન્સ સિટી ખાતે સાયન્સ અને ટેક્નોલોજી સચિવ શ્રી વિજય નહેરા અને સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી જે.બી. વદરની ઉપસ્થિતિમાં એપ ડેવલપર્સ માટેના ઈન્ટરેક્ટિવ સ્કિલ બિલ્ડિંગ કાર્યક્રમ ‘કનેક્ટ વિથ ગૂગલ’નો ઉદઘાટન સમારંભ યોજાયો.

ગુજરાતના એપ ડેવલપર્સને પ્રોત્સાહિત કરવા માટે અને કૌશલ્ય નિર્માણના હેતુથી ગુજરાત સરકારના સહયોગથી ગૂગલ દ્વારા આ ખાસ ઈન્ટરેક્ટિવ સ્કિલ બિલ્ડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખા કાર્યક્રમમાં આશરે 500 જેટલા એપ ડેવલપર્સ ભાગ લેવાના છે.

આ પ્રસંગે સાયન્સ અને ટેક્નોલોજી સચિવ શ્રી વિજય નહેરાએ આ ઉપક્રમ અંગે ગૂગલ અને સાયન્સ સિટીની ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે સાયન્સ સિટી તેના સાયન્સ અને ટેકનોલોજી આધારિત રસપ્રદ ઉપક્રમોના લીધે ખૂબ જ લોકપ્રિય બની છે.

રોજના 3થી 5 હજાર મુલાકાતીઓ સાયન્સ સિટી કેમ્પસની મુલાકાત લઈને દેશની સૌથી મોટી એકવાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક સહિતના ઉપક્રમોની મુલાકાત લઈ રહ્યાં છે. આગામી દિવસોમાં મ્યુઝિકલ ફાઉન્ટેન સહિત અન્ય રસપ્રદ ઉપક્રમો સાયન્સ સિટી ખાતે ઉપલબ્ધ બનશે.

વધુમાં વાત કરતાં શ્રી વિજય નહેરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સાયન્સ સિટીને દેશનું સૌથી મોટું સાયન્સ પાર્ક બનાવવાનું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે. આજે ગુજરાત સાયન્સ સિટી તેના વાઇબ્રન્ટ કેમ્પસ અને અનેકવિધ માહિતીસભર સાયન્સ અને ટેકનોલોજી આધારિત ઉપક્રમોને લીધે સાયન્સ પોપ્યુલરાઈઝેશન ક્ષેત્રે દેશના જાણીતા સેન્ટરોમાં અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે.

સાયન્સ સિટી આજે અનેકવિધ સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓ સાથે સંકલન કરીને સાયન્સ અને ટેકનોલોજીની આધુનિક પદ્ધતિઓના માર્ગદર્શન અને પ્રચાર-પ્રસાર સાથે લોકોને જોડવાનું ભગીરથ કામ કરી રહી છે. ઈસરો, આઇઆઇટી ગાંધીનગર, ગૂગલ જેવી ઘણી સંસ્થાઓ સાથે સંકલન સાધીને સાયન્સ સિટી અવનવા કાર્યક્રમો યોજતી રહે છે, જેના લીધે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે જનભાગીદારી અને જાગૃતિ વધી રહી છે.

ગુજરાતમાં આઈટી ક્ષેત્રે થયેલી નોંધપાત્ર કામગીરી અંગે વાત કરતા શ્રી વિજય નેહરાએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે આઈટી ક્ષેત્રે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આઈટી ક્ષેત્રે ઘણી વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે અને આવનારા સમયમાં ઘણી કંપનીઓ ગુજરાતમાં આધુનિક આઇટી ટેકનોલોજી ક્ષેત્રે રોજગારી ઊભી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં ગૂગલના આગમન અને તેની કાર્યપદ્ધતિ વિશે વાત કરતા શ્રી વિજય નેહરાએ જણાવ્યું હતું કે, ગૂગલ ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં તેનું ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર સ્થાપવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં અનેકવિધ આવા કૌશલ્યવર્ધન કાર્યક્રમ થકી ગુજરાતના 10,000થી પણ વધુ એપ ડેવલોપર્સને કનેક્ટ કરવાનો ગૂગલનો લક્ષ્યાંક છે. ગુજરાતના એપ ડેવલોપર્સે આ તકને ઝડપીને કૌશલ્યવર્ધન માટે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. આગામી દિવસોમાં ગુજરાતના એપ ડેવલોપર્સ ગ્લોબલ યુઝર બેઝને ટાર્ગેટ કરી શકશે તથા ક્વોલિટી એપ્સ ડેવલપ કરી શકશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આઈટી અને એપ ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાત સરકારના પ્રયાસો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાત સરકાર નવી આઇટી પોલીસી અને નવી સ્ટાર્ટઅપ પોલીસી જાહેર કરવાનું આયોજન છે. આ પોલીસી અંતર્ગત આઇટી સહિત વિવિધ ક્ષેત્રે કામ કરી રહેલા સ્ટાર્ટ અપ અને ડેવલપર કમ્યૂનિટીને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સુચારું ઇકો સિસ્ટમ બનાવવાનો લક્ષ્યાંક છે એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે નોંધનીય છે કે, ‘કનેક્ટ વિથ ગૂગલ’ કાર્યક્રમમાં એક સફળ એપ બિઝનેસનું કઈ રીતે નિર્માણ કરવું તે અંગેના મુખ્ય પાસાંઓ અંગે એપ ડેવલપર્સને શિક્ષણ અને તાલીમ આપવામાં આવશે. એપ ડેવલપર્સને કઈ રીતે હાઈ ક્વોલિટીની એપ બનાવવી અને તેને ગૂગલ પ્લે સ્ટોર પર લોન્ચ કરવી તથા એપ્લિકેશનના યુઝર કઈ રીતે વધારવા તે અંગે તેમજ મોનેટાઈઝની નીતિઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

આ કાર્યક્રમમાં ગૂગલના નિષ્ણાતો, પ્રખ્યાત એપ્લિકેશનના નિર્માતાઓ તેમજ એપ-બિઝનેસ સાથે સંકળાયેલા નિષ્ણાતો દ્વારા સહભાગી થયેલા એપ ડેવલપર્સને શિક્ષણ અને તાલીમ આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, કનેક્ટ વિથ ગૂગલ’ શ્રેણીનો આ બીજો કાર્યક્રમ છે. આ પહેલાં ગત માર્ચ મહિનામાં પ્રથમ કાર્યક્રમનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગૂગલના કસ્ટમર સોલ્યુશન વિભાગના ડાયરેક્ટર શ્રી શાલિની, ગૂગલ અને સાયન્સ સિટીના કર્મચારીગણ અને મોટી સંખ્યામાં એપ ડેવલપર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.