ખારીકટ કેનાલને કારણે પૂર્વ વિસ્તારનો વિકાસ ક્યાંકને ક્યાંક અટકી રહ્યો હતો તેને હવે એક નવી દિશા મળી છે
સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે AMCનાં કુલ ૩૦ કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
નિકોલ વિધાનસભાના ઉત્તરોત્તર વિકાસને લઇને સૌ નાગરિકોએ ‘વિકાસ કાર્ડનું પોસ્ટકાર્ડ’મુખ્યમંત્રીને લખવા મંત્રીશ્રીનો અનુરોધ
સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કુલ ૩૦ કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું છે.
આ વિકાસલક્ષી કામોમાં નિકોલ વિધાનસભામાં અંદાજે ૨૪ કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, ૭૦:૨૦:૧૦ યોજના અંતર્ગત અંદાજે ચાર કરોડના કામોનું લોકાર્પણ તેમજ અન્ય બે કરોડના કામોનું ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે, આમ કુલ રૂ. ૩૦ કરોડની ભેટ અમદાવાદના નગરજનોને મળી છે.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, શહેરો-નગરોનો સમગ્રતયા વિકાસ થાય તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે. વિકાસની રાજનીતિ કોને કહેવાય તે દેશ-દુનિયાને નરેન્દ્રભાઈ મોદીએ શીખવ્યું છે, એ જ વિકાસની રાજનીતિને કારણે આજે નિકોલ વિધાનસભામાં એક સાથે ૨૪ કરોડથી વધુના પ્રકલ્પોની ભેટ નાગરિકોને મળી રહી છે.
અમદાવાદમાં થયેલા વિકાસની વાત કરતા મંત્રી શ્રી જગદીશભાઈએ કહ્યું કે, આપણે બધાને યાદ છે બે દાયકા પહેલા અમદાવાદનો પૂર્વ પટ્ટો કેવો હતો. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ નક્કી કર્યું હતુ કે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનો ભેદ મિટાવી દેવો છે અને તે તેમણે સમ્યક વિકાસથી સાકાર કરી બતાવ્યું છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આ ખારીકટ કેનાલને કારણે પૂર્વ વિસ્તારનો વિકાસ વર્ષોથી ક્યાંકને ક્યાંક અટકી રહ્યો હતો તેને હવે એક નવી દિશા મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આમ, અમારી સરકારે જે વચનો પૂર્વ વિસ્તારના લોકોને આપ્યાં હતાં, એ પૂરા થઈ રહ્યાં છે.
પોતાના મત વિસ્તાર નિકોલ વિધાનસભાના વિકાસની વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, છેલ્લાં દસ વર્ષમાં નિકોલ વિસ્તારનો વિકાસ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. વિરાટ નગર- ઓઢવ ઓવરબ્રિજ, ઓઢવ રિંગ રોડ ફ્લાયર ઓવર બ્રિજ, સારંગપુર-ઓઢવ ઓવરબ્રિજ જેવા અનેક વિકાસલક્ષી કામો થયાં છે. છેલ્લાં ૧૦ વર્ષમાં અંદાજિત રૂ. ૪૭૭ કરોડથી વધુના ખર્ચે અનેક પ્રજાલશ્રી પ્રકલ્પોની ભેટ નિકોલ વિધાનસભાના નાગરિકોને મળી છે.
આ અવસરે મંત્રી શ્રી જગદીશભાઈએ નિકોલ વિધાનસભાના સૌ નાગરિકોને ‘વિકાસ કાર્ડનું પોસ્ટકાર્ડ’ મુખ્યમંત્રીશ્રીને લખવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આપણે પોસ્ટકાર્ડ લખીને મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવો જોઇએ, કારણે તેના માર્ગદર્શનમાં નિકોલ વિધાનસભાના અનેક વિકાસ કામો શક્ય બન્યાં છે. એટલું જ નહીં, આ પોસ્ટકાર્ડથી તેમને હિંમત અને બળ જરૂરથી મળશે.
અત્રે ઉલ્લેખનીય ઓઢવ વોર્ડમાં અંદાજિત રૂ. ૬૪.૦૦ લાખના ખર્ચે મીયાવાકી આધારિત થીમ પર ગાયત્રી વાટીકા ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યું છે.
આ ગાર્ડનમાં જુદી જુદી જાતનાં ૬૦૦૦થી વધુ ફુલછોડનાં રોપા, ૫૦૦૦થી વધુ રોપાનું મીયાવાકી પદ્ધતિથી પ્લાન્ટેશન, આકર્ષક લોન પ્લોટ તેમજ બાળકો માટે રમત-ગમતના સાધનો અને બેસવા માટે આકર્ષક ગજેબાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે સમગ્ર ગાર્ડન વોટીંગ થઈ શકે તે માટે ૩૦ હજાર લીટર કેપેસિટી ધરાવતી અન્ડરગ્રાઉન્ડ ટાંકી, બોરવેલની વ્યવસ્થા અને ૪૦૦ રનિંગ મીટર વોકિંગ ટ્રેક પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
જ્યારે રૂ. ૪ કરોડ ૧૬ના લાખના ખર્ચે વિરાટનગર વોર્ડમાં ક્રિષ્ના પાર્ક સ્ટોર્મ વોટર પંપિંગ સંપની કેપેસિટી વધારી અપગ્રેડ કરવામાં આવી છે. આમ, વિરાટનગર વોર્ડના આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થશે. ઓઢવ વોર્ડમાં રૂ. ૭.૨૮ કરોડના ખર્ચે શેલ્ટર હોમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે ૫.૫૭ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે.
આ અવસરે ડ્રોમાં જેઓને ઘરનું ઘર મળ્યું છે તેમને ફાળવણી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઇ પરમાર, સર્વે ધારાસભ્યો શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, ઓઢવ અને વિરાટનગરના સર્વે કાઉન્સિલરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં