Western Times News

Gujarati News

૩૫૦થી વધુ કન્યાઓને કંકુ- ચોખાથી વધાવીને કન્યા છાત્રાલયમાં પ્રવેશ અપાયો

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે કન્યા છાત્રાલયમાં પ્રવેશોત્સવ 2023 કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ અદભુત છાત્રાલયના નિર્માણનો વિચાર મૂક્યો હતો, અને તેમના જ સાર્થક પ્રયત્નોથી આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું: મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે સમરસ કન્યા છાત્રાલયમાં ૩૫૦થી વધુ કન્યાઓનો છાત્રાલય પ્રવેશોત્સવ ૨૦૨૩ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે ૩૫૦થી વધુ કન્યાઓનો કંકુ અને ચોખાથી વધાવીને છાત્રાલય પ્રવેશ કરાવ્યો હતો.

સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમરસ છાત્રાલય એ મારા પરિવાર જેવું છે. હું આજે પ્રવેશ મેળવેલ તમામ દીકરીઓને આવકારું છું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ અદભુત છાત્રાલયના નિર્માણનો વિચાર મૂક્યો હતો, અને તેમના જ સાર્થક પ્રયત્નોથી આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

છાત્રાલયના નિર્માણનો મૂળ ઉદ્દેશ તમામ વર્ગના વિદ્યાર્થીઓને એક જ રસમાં પરોવી એકસાથે રહેવા અને જીવવાની  ભાવના કેળવવાનો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમરસ છાત્રાલયમાં કોઈપણ દીકરીને શિક્ષણ મેળવવા માટે પહેલા જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, તે હવે નહીં કરવો પડે. પહેલા દીકરીઓના માતા-પિતા ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે દીકરીઓને ઘરથી દૂર અન્ય શહેરમાં મોકલતા વિચાર કરતા હતા, પરંતુ હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાર્થક પ્રયત્નોથી સમરસ જેવા છાત્રાલય સ્થાપિત થયાં છે. જેમાં છેવાડાના ગામડાઓમાંથી દીકરીઓ અહીં રહીને શિક્ષણ મેળવી શકે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વધુ ૪૦ જેટલા સમરસ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. અંતે શુભેચ્છા પાઠવતા તેઓએ જણાવ્યું હતું કે, આપ સૌ આ છાત્રાલયમાં રહી એક લક્ષ્ય સાથે આગળ વધશો, અને ખૂબ મહેનત કરી આપનું અને આપના માતા-પિતાનું નામ રોશન કરશો, એવી આશા છે.

કાર્યક્રમના અંતે મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ પ્રવેશ મેળવેલ તમામ કન્યા છાત્રાઓ સાથે ગરબા કર્યા હતા, સાથે જ તમામ છાત્રાઓ સાથે ભોજન પણ લીધું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, અનુસૂચિત જાતિ પ્રમુખશ્રી વિક્રમસિંહ ચૌહાણ, કોર્પોરેટરશ્રીઓ, સોશિયલ વેલફેર ઓફિસર સહિતના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.