હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાંથી ભરૂચ પોલીસે 12 લાખનો દારૂ ઝડપી પાડયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ એલસીબી પોલીસે નબીપુર – પાલેજ હાઈવે પર આવેલી હોટલના પાર્કિંગ માંથી નેપાળી ડ્રાઈવરને ટ્રકમાં પ્લાસ્ટિકની આડમાં સંતાડેલા દારૂના ૧૨ લાખના જથ્થા સાથે પકડી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ દ્વારા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું.તે દરમ્યાન નબીપુરથી પાલેજ વચ્ચે એલસીબી પોલીસ પહોંચી ત્યારે રિલીફ હોટલના પાર્કિંગમાં કેટલીક ટ્રકો ઉભી હતી.
જે પૈકી એક ટ્રક ડ્રાઇવરની હિલચાલ પીએસઆઈ પી.એમ.વાળાને શંકાસ્પદ લાગી હતી.ડીડી પાર્સિંગની તાડપત્રી ઢાંકેલી ટ્રકની તલાસી લેતા તેમાં પ્લાસ્ટિકના બારદાન મળી આવ્યા હતા.જેને હટાવી પાછળ જાેતા દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી.
પોલીસે ૩૮૮ બોક્સ, ૮૨૨૨ બોટલો કિંમત રૂપિયા ૧૧.૯૮ લાખનો દારૂ સાથે,પ્લાસ્ટિકના ૧૦૦ બારદાન કિંમત ૬.૫૮ લાખ, ૧૦ લાખની ટ્રક મળી કુલ રૂપિયા ૨૮.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દારૂ ભરેલી ટ્રકનું વહન કરતા નેપાળના લૂમબીનીના બ્રિસપતિ ખેમાનંદ ચપાગૈનની ધરપકડ કરી હતી.આરોપી પાસેથી નેપાળ તેમજ કતારનું ડ્રાઈવિંગ લાયસન્સ પણ મળી આવ્યું હતું.
આરોપી વિદેશી દારૂની પેટીઓ ક્યાંથી ભરી લાવ્યો હતો અને કોણે ભરાવી હતી તેમજ ક્યાં કોને ડિલિવરી કરવાની હતી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.