ચંદ્રયાન ઉત્તરાયણ સમયે સોમનાથમાં ઋષિ કુમારો દ્વારા વિશેષ પ્રાર્થના
ચંદ્રયાનના સફળ ઉતરાણની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શાસ્ત્રોકત ઉજવણી-સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રોફેસર જે.ડી.પરમારે ચંદ્રયાન ઉત્તરાયણ પર વિશેષ શ્લોક પ્રાર્થના રચી
સોમનાથ, આજે જ્યારે સમગ્ર ભારત વર્ષ ગૌરવ અને ઉત્સાહથી ચંદ્રયાન ના ઉતરાણની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ચંદ્ર ના નાથ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભારતના ચંદ્રયાન પ્રકલ્પ ની સફળ ઉતરાણ ની શાસ્ત્રોકત ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી સોમનાથ મંદિરમાં રહેલ ડિસ્પ્લે, તેમજ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે પ્રોજેક્ટર દ્વારા વિશાળ ફલક પર ચંદ્રયાન ઉતરાણ નું જીવંત પ્રસારણ પ્રસારિત કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે. ડી. પરમાર, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, ટ્રસ્ટ પરિવાર, તીર્થ પુરોહિતો, સોમનાથ સંસ્કૃત પાઠ શાળાના ઋષિ કુમારો અને ગુરુજનો, મહાદેવના દર્શને આવેલ ભક્તો તમામ ચંદ્રયાન ના ઉતરાણની ધન્ય ક્ષણના સાક્ષી બન્યા હતા.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેડી પરમાર જેઓ પ્રોફેસર અને સંસ્કૃતવિદ્દ છે. તેઓએ ચંદ્રયાનના સફળ ઉતરાણ માટે પોતાના હસ્તે એક પ્રાર્થના શ્લોકની રચના કરી હતી.
वयं इहामहे सर्वे, चन्द्रयानं यत्प्रेषितं, भारतै: शशिभूमौ, सुखमवतारयतु सोमनाथ:।
અર્થાત્ અમે સૌ ઈચ્છીએ છીએ કે ભારતદેશથી ચંદ્રની ભૂમિ ઉપર મોકલવામાં આવેલું ચંદ્રયાન ભગવાન સોમનાથ સુખરૂપ ત્યાં ઉતારે સોમનાથ ટ્રસ્ટ પરિવાર તીર્થ પુરોહિતો અને ઋષિ કુમારો દ્વારા આ શ્લોકના ઉચ્ચારણ સાથે ચંદ્રયાનના ઉતરાણ સમયે પ્રાર્થના કરવામાં આવી હતી. ચંદ્રયાન નું સફળ ઉતરાણ થતાં હર હર મહાદેવ જય સોમનાથના નાદ સાથે આ ધન્ય ઘડીને વધાવવામાં આવી હતી.