Western Times News

Gujarati News

ભારતની બ્રહ્મોસ મિસાઈલ મેળવવા ગ્રીસ સાથે મોટી ડીલની શક્યતા?

ગ્રીસ-ભારત વચ્ચે ૨૦૩૦ સુધીમાં વેપાર બમણો કરાશેઃ મોદી-વડાપ્રધાન મોદીને ગ્રીસનું બીજું સૌથી મોટું સન્માન મળ્યું

એથેન્સ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસની મુલાકાતે છે. અહીં રાષ્ટ્રપતિ કેટરિના સકેલારોપોઉલોએ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીને ગ્રીસનું બીજું સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર’ થી સન્માન કરવામાં આવ્યું હતું.

મોદીએ કહ્યું- હું આ સન્માન માટે ગ્રીસના રાષ્ટ્રપતિ, ગ્રીસની સરકાર અને લોકોનો આભાર માનું છું. આ ગ્રીસના લોકોનો ભારત પ્રત્યેનું સન્માન દર્શાવે છે. આ પછી ભારત અને ગ્રીસ વચ્ચે ડેલિગેશન સ્તરની વાતચીત શરૂ થઈ હતી.

આ પછી, સંયુક્ત નિવેદનમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું- અમે એકબીજાને જૂના મિત્રોની જેમ સમજીએ છીએ. અમે ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરીશું. વડાપ્રધાને ગ્રીસમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના સકેલારોપોઉલોને મળ્યા હતા. મોદીએ કહ્યું- ચંદ્રયાનની સફળતા માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની છે. તેનાથી તમામ વૈજ્ઞાનિકો અને માનવતાને મદદ મળશે. એથેન્સમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. તેમણે ‘ટોમ્બ ઓફ અનનોન સોલ્જર’ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. અગાઉ એથેન્સમાં એરપોર્ટની બહાર ભારતીય મૂળના લોકોએ ઢોલ-નગારાં સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે લગભગ ૯ વાગે યુરોપિયન દેશ ગ્રીસની રાજધાની એથેન્સની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર વિદેશ મંત્રી જ્યોર્જ જેરાપેટ્રિટિસે મોદીનું સ્વાગત કર્યું હતું. આ પછી એથેન્સની એક હોટલની બહાર ભારતીય મૂળના લોકોએ મોદીનું સ્વાગત કર્યું હતું.

ભારતીય સમુદાયના લોકોએ મોદીને ગ્રીસનો પારંપરિક તાજ પહેરાવ્યો, જેને હેડ્રેસ કહેવાય છે બ્રિક્સ સમિટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપિયન દેશ ગ્રીસના એક દિવસના પ્રવાસે છે. તેઓ શુક્રવારે એથેન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતર્યા હતા. ૪૦ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ગ્રીસની મુલાકાતે છે. આ પહેલાં ૧૯૮૩માં ઈન્દિરા ગાંધી ગ્રીસ ગયાં હતાં.

ગ્રીક સિટી ટાઈમ્સના અહેવાલ મુજબ પીએમ મોદી સાથે ૧૨ ભારતીય ઉદ્યોગપતિઓ પણ એથેન્સ પહોંચ્યા હતા. બંને દેશો વચ્ચે વેપાર, ટેક્નોલોજીથી લઈને સંરક્ષણ સહયોગ પર ચર્ચા થઈ. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ગ્રીસ લાંબા સમયથી ભારતની બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ ખરીદવામાં રસ દાખવી રહ્યું છે.

આવી સ્થિતિમાં પીએમ મોદીના ગ્રીસ પ્રવાસ પર ભારતનું બ્રહ્માસ્ત્ર કહેવાતા બ્રહ્મોસ મિસાઈલ મેળવવા માટે ડીલ થઈ શકે છે. ભારતીય વાયુસેનાના વડા વીઆર ચૌધરી ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પાક-તુર્કી ગઠબંધન તોડવા માટે ગ્રીસ ગયા હતા. આ દરમિયાન ડ્રોન ટેક્નોલોજી પર કામ કરવા માટે બંને દેશોમાં વાતચીત થઈ હતી.

ખરેખરમાં ડ્રોનના ખતરાને જાેતા તુર્કીનો દુશ્મન ગ્રીસ હવે ભારતને સાથ આપવા તૈયાર છે. ગ્રીસ આ ડ્રોનના રડાર સંબંધિત મહત્ત્વપૂર્ણ ડેટા ભારત સાથે શેર કરી શકે છે. બરયાકતાર ડ્રોનની નાની સાઈઝને કારણે તેમને રડાર પર શોધવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, ભારત સાથે શેર કરવામાં આવેલી માહિતી ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.

તેના બદલામાં ભારત ગ્રીસને બ્રહ્મોસ આપી શકે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન બ્રહ્મોસ એરોસ્પેસના સીઈઓ અને એમડી અતુલ દિનકરે જણાવ્યું હતું કે ભારતે બ્રહ્મોસ વેચવા માટે ફિલિપાઈન્સના સંરક્ષણ મંત્રાલય સાથે પ્રથમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય ઘણા નાટો દેશોએ તેને ખરીદવામાં રસ દાખવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.