જમીન NA કરી આપવા 5 લાખની લાંચ માંગતા નાયબ મામલતદાર ઝડપાયા

પ્રતિકાત્મક
પાટણ કલેકટર કચેરીના નાયબ મામલતદાર પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
પાટણ, પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું હોય તેમ અવારનવાર અધિકારીઓ અને કર્મચારીઓ લાંચના છટકામાં સપડાઈ રહ્યા છે તોબીજીબાજુ લાંચ નહી આપવા માંગતા જાગૃત નાગરિકો પણ હિંમતભેર આવા લાંચિયા અધિકારીઓને પકડાવી રહ્યા છે.
ત્યારે શનિવારે પાટણ કલેકટર કચેરીમાં નાયબ મામલતદારતરીકે ફરજ બજાવતા અલ્પેશકુમાર ભોજાભાઈ ખેર જમીન એન.એ. કરાવવા ફરિયાદી પાસેથી રૂા.પાંચ લાખની લાંચની રકમ સ્વીકારતા એ.સી.બી.ના સાણસામાં સપડાઈ રંગે હાથ ઝડપાતા ખળભળાટ મચ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ પાટણ કલેકટર કચેરીમાં એ.ડી.એમ. શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અલ્પેશકુમાર ભોજાભાઈ ખેરે ફરિયાદી પાસે ખરીદેલ જમીન એન.એ. કરી આપવા માટે રૂા.પાંચ લાખની રકમ લાંચ પેટે માંગી હતી પરંતુ ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.
દરમિયાન એ.સી.બી. બોર્ડર એકમ ભૂજના ઈ. મદદનીશ નિયામક વી.એમ. વાઘેલાના સુપરવિઝન હેઠળ પાટણ એ.સી.બી.ના પી.આઈ. એમ.જે. ચૌધરીએ આ લાંચિયા અધિકારીને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું જે મુજબ ફરિયાદીએ નાયબ મામલતદાર અલ્પેશકુમાર ખેરને પાટણની જનતા હોસ્પિટલની બાજુમાં આવેલ ધી જનતા મેડિકલ સ્ટોર્સ પાસે બોલાવ્યા હતા
અને હેતુલક્ષી વાતચીત કરી હતી તે સમયે ફરિયાદીએ નકકી થયા મુજબ કલેકટર કચેરીના નાયબ મામલતદારને લાંચની રકમ રૂા.પાંચ લાખ આપ્યા હતા. નાયબ મામલતદાર અલ્પેશકુમાર ખેરે રૂા.પાંચ લાખ સ્વીકારતા જ એસીબી ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા અને લાંચની રકમ કબજે લઈ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.