ચોમાસામાં ઓછા વરસાદના કારણે વધી શકે છે મોંઘવારી
નવી દિલ્હી, આ ચોમાસાની સીઝનમાં ઓછા વરસાદને કારણે ખરીફ પાકની વાવણીને અસર થવાની સંભાવના છે. તેથી તેના કારણે ખાદ્યપદાર્થોની મોંઘવારી વધવાની સંભાવના છે.
ઓછો વરસાદ અને ખાદ્ય મોંઘવારી વધવાની અસર ગ્રામીણ અર્થતંત્ર પર પડી શકે છે. કેર રેટિંગ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે કોરોના મહામારી બાદ સરકારી સબસિડીમાં ઘટાડાની અસર ગ્રામીણ વિસ્તારોમાં માંગ પર જાેવા મળી શકે છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક ઘટી શકે છે.
કેર રેટિંગ્સે અનિયમિત ચોમાસું, ખાદ્યપદાર્થોના ભાવ અને ગ્રામીણ માંગના શીર્ષક સાથે રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચોમાસામાં વધઘટના કારણે દેશી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની સંભાવના છે. વૈશ્વિક પરિસ્થિતિ મોંઘવારીની આગમાં બળતણનું કામ કરી શકે છે. કેર રેટિંગ્સના રિપોર્ટ અનુસાર આગામી મહિનાઓમાં ખાદ્યપદાર્થોનો ફુગાવો વધતો રહેશે. સાથે જ ઓકટોબર બાદ નવો પાક બજારમાં આવ્યા બાદ જ રાહત મળવાની સંભાવના છે.
રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના બીજા ક્વાર્ટરમાં ખાદ્ય ફુગાવો સરેરાશ ૯.૪ ટકા સુધી રહેવાની ધારણા છે. તે ત્રીજા ક્વાર્ટરમાં ઘટીને ૬.૯ ટકા પર આવી શકે છે.
ચોથા ક્વાર્ટરમાં ખાદ્ય ફુગાવો ૫.૯ ટકા રહેવાનો અંદાજ છે. રિપોર્ટ અનુસાર, દક્ષિણ એશિયાના દેશોમાં હવામાન સંબંધિત વિક્ષેપો અને વૈશ્વિક વિકાસને કારણે ખાદ્ય ફુગાવો સતત વધશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખરીફ પાકની વાવણી ઓગસ્ટમાં સમાપ્ત થઈ જશે અને હવે તેમાં સુધારાને બહુ ઓછો અવકાશ છે.
કેર રેટિંગ્સ અનુસાર, કઠોળ અને અનાજનો ફુગાવાનો દર ડબલ ડિજિટમાં ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઓછા વરસાદને કારણે જળાશયોમાં પાણીનું સ્તર નીચું રહી શકે છે, તેની અસર આગામી રવિ સીઝનમાં રવિ પાકની વાવણી પર જાેવા મળી શકે છે. વાસ્તવમાં જુલાઇમાં ફુગાવાનો દર ૭.૪૪ ટકાના ૧૫ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે, ખાદ્ય ફુગાવાનો દર ૧૧.૫૧ ટકા રહ્યો છે.SS1MS