‘હવે ભરૂચ જિલ્લાની ૫૦૦૦ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીનો માર્ગ મોકળો થશે’
ભરૂચ જિલ્લા ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૨૭ ટકા ઓબીસી અનામતના ર્નિણયને ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી વધાવ્યો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખે ગુજરાતમાં સ્થનિક સ્વરાજની ચૂંટણીમાં ૨૭ ટકા ઓબીસી અનામતની જાહેરાત કરતા ભરૂચ જીલ્લા ભાજપ દ્વારા ઢોલનગારા સાથે ફટાકડા ફોડી આ ર્નિણયને હર્ષભેર વધાવી લેવાયો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સાથે પ્રદેશ કાર્યાલય ખાતેથી પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી ૨૭ ટકા ઓબીસીની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમાજના દરેક વર્ગના લોકોને વિકાસની પૂરતી તકો મળે અને છેવાડાનો માનવી વિકાસના મુખ્ય પ્રવાહમાં ભળે તે દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હરહંમેશ કાર્યરત છે.આ જ દિશામાં વધુ એક કડી ઉમેરતાં ઓબીસી માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ૨૭ ટકા અનામતનો ર્નિણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર તેમજ એસસી-એસટી સમાજને મળતી અનામતને કોઈ અસર ન પડે તેની કાળજી રાખીને આ ર્નિણય કરવામાં આવ્યો છે. ઓબીસી સમાજની ૧૩૪ જેટલી જાતિઓને આ ર્નિણયથી વિકાસમાર્ગે આગળ વધવામાં મોટી મદદ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.
ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી,રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૨૭ ટકા ઓ.બી.સી. અનામતની જાહેરાત વધાવી લેવામાં આવી હતી.
ભરૂચ દુધધારા ડેરીના ગેટ બહાર ભાજપે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી એકમેકને મીઠાઈ ખવડાવી આ ર્નિણયના વધામણાં કર્યા હતા.હવે ભરૂચ જીલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૫૦૦૦ ગ્રામ પંચાયતમાં વહીવટદારના શાસન વચ્ચે સરપંચની ચૂંટણીનો માર્ગ મોકળો બનશે તેમ જીલ્લા ભાજપ પ્રમુખે હર્ષ સાથે ખુશી વ્યક્ત કરી હતી.
ઉજવણી કાર્યકમમાં જીલ્લા મહામંત્રી નિરલ પટેલ,પાલિકા પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ,બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નિશાંત મોદી સહિતના આગેવાનો,મહિલાઓ, કાર્યકરો અને પાલિકા સભ્યો જાેડાયા હતા.