અમદાવાદના સ્વામિનારાયણ મંદિરો બહાર પોલીસ બંદોબસ્ત
(એજન્સી)અમદાવાદ, સાળંગપુરમાં હનુમાનજીને દાસ તરીકે દર્શાવવાના મુદ્દે હવે ‘ધર્મયુદ્ધ’ જેવો માહોલ ઉભો થઈ ગયો છે, સનાતન ધર્મના સાધુ-સંતો દ્વારા એક થઈને સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો સંકલ્પ લીધો છે. હવે આ મુદ્દાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે ત્યારે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરો બહાર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.
ભીંતચીત્રો મામલે શહેરના તમામ મોટા મંદિરો બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મંદિરોની બહાર પીસીઆર વાન સાથે પોલીસકર્મીઓને ઉતારવામાં આવ્યા છે. મંદિર બહાર કોઈ વિવાદ કે ભક્ત સાથે અણબનાવ ન બને તે માટે સતર્ક રહેવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં આવેલા સેટેલાઈટ અને ગુરુકુળ સ્વામીનારાયણ મંદિરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રવિવારે સવારે અને સાંજે વધુ ભક્તો મંદિરમાં આવતા હોય છે ત્યારે મંદિર બંધ થઈ જાય તેમ છતાં પોલીસને ડ્યુટી પર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે.
વિવાદિત ભીંતચિત્રો મામલે સાધુ-સંતો એક થઈને સાળંગપુરમાં કોઠારી સ્વામી જાેડે ચર્ચા કરી છે. આ ચર્ચા દરમિયાન સંતો દ્વારા વિવિધ મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આપવામાં આવતા નિવેદનો, ભીંતચિત્રો સહિતના મુદ્દે વાત કરવામાં આવી છે. હવે આ મામલે ૨ દિવસમાં નિરાકરણ લાવવાની વાત થઈ હોવાનું સંતો દ્વારા મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવવામાં આવ્યું છે.