Western Times News

Gujarati News

ઢોર પકડવાની કામગીરીમાં અડચણ ઉભી કરનારા ૨૦ શખ્સો સામે કાર્યવાહી

અમદાવાદમાં મનપાની ટીમે એક જ દિવસમાં ૧૦૦થી વધારે ઢોર પકડ્યાં

અમદાવાદઃ ખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો અમદાવાદમાં એક સપ્ટેમ્બરથી અમલ શરૂ થયો છે. ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સીએનસીડી વિભાગે રવિવારે ૧૦૬થી વધારે રખડતા ઢોર પકડ્યાં હોવાનું જાણવા મળે છે.

સાતેય ઝોનમાં કામગીરીમાં સૌથી વધારે ઢોર શહેરના ગોતા, ચાંદલોડિયા સરખેજ, મણીનગર, ઇસનપુર, સરદારનગર સાયન્સ સીટી સાબરમતી ગુરુકુળ રોડ, અખબારનગર સહિતનાં વિસ્તારોમાંથી ઢોર પકડાયા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ ઝોનની સીએનસીડી વિભાગની ટીમ સીટીએમ ચાર રસ્તા ગાય સર્કલ નજીક જીવનદીપ સ્કૂલની ગલીમાં જ્યારે ઢોર પકડવા ગઈ હતી ત્યારે દેવરાજ ભરવાડ નામના શખ્સ સહિતના ૧૫થી ૨૦ જેટલા શખ્સો નંબર પ્લેટ વગરની ટુ વ્હીલર પર આવી અને ઢોર પકડવાની કામગીરીમાં અડચણરૂપ કર્યું હતું.

દેવરાજ ભરવાડના પિતા પણ ત્યાં આવી અને બોલાચાલી કરવા લાગ્યા હતા. જેથી સીએનસીડી વિભાગના સ્ટાફ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસ આવતાની સાથે જ આવા નંબર પ્લેટ વગરના વાહનો લઈને કામગીરીમાં અડચણરૂપ કરનારા શખ્સો નાસી ગયા હતા. દેવરાજ ભરવાડ સહિત ૧૫થી ૨૦ લોકો સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ઢોર પકડવાની કામગીરીમાં વધારો કરી રવિવારે ૧૦૬થી વધારે ઢોર પકડાયા છે જેમાં સૌથી વધુ ઢોર પશ્ચિમ વિસ્તારમાં પકડવામાં આવ્યા છે. ૩૮૧૦ કિલો ઘાસચારો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

જાે કે જાહેરમાં ઘાસચારો વેચવાની એકપણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જાહેર રોડ ઉપર ક્યાંય પણ રખડતા ઢોર મુકવામાં ન આવે, ટ્રાફિકમાં કોઈ અડચણ ન ઊભી થાય તેને લઈ પશુ માલિકો અને સૂચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.