Western Times News

Gujarati News

એસ.જી. હાઈવે પર ૨૪ કલાકમાં ૩ અકસ્માતમાં ૫ લોકોના મૃત્યુથી સનસનાટી

અમદાવાદમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં પાંચના મોત

પોલીસની ડ્રાઈવ વચ્ચે માર્ગ અકસ્માતના વિવિધ બનાવમાં પાંચના મોતથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. અમદાવાદના એસ.જી હાઈવે પર છેલ્લા ૨૪ કલાકમાં સર્જાયેલા ૩ અકસ્માતમાં ૫ લોકોના મૃત્યુ થયા છે. એક દિવસમાં ૫ લોકોના મોતથી ફરી સનસનાટી ફેલાઈ ગઈ છે. પાંચ મૃતકોમાં ૪ યુવકો અને એક મહિલાનો સમાવેશ થાય છે. 5 people died in 3 accidents on the S.G. highway in 24 hours

છેલ્લા ૨૪ કલાકમાં બે અકસ્માત સોલા નજીક અને એક અકસ્માત પકવાન નજીક સર્જાયો છે. આ અંગે વિગતવાર વાત કરીએ તો આજે વહેલી સવારે અમદાવાદના એસ.જી હાઈવે પર પકવાન બ્રિજથી ગાંધીનગર જતાં માર્ગ પર કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. ગાડી પલટી મારી જતા નરેશ પ્રજાપતિ (ઉં.વ ૨૩), મિતેશ પ્રજાપતિ (ઉં.વ ૨૪) અને કૌશલ પ્રજાપતિ (ઉં.વ ૨૪) નામના ત્રણ યુવકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે ગાડી ચાલક નિમેષ પંચાલ ફરાર થઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેય મૃતકો વાડજના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.

ગઈકાલે પણ અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું. અંકિત પ્રજાપતિ નામનો યુવક બાઇક પર સવારે ૮ વાગ્યે ઓફિસ જવા નીકળ્યો હતો. ત્યારે સોલા બ્રિજ પર એક ખાનગી કંપનીની બસના ચાલકે બાઇકસવાર અંકિતને અડફેટે લીધો હતો.

આ અકસ્માતમાં અંકિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો બીજી બાજુ બસ ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસડીને ફરાર બસ ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

તો સોલામાં અન્ય એક અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. શહેરના સોલા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં રાહદારી પાયલ કુંવરબા નામના મહિલાનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વાહનચાલકની શોધખોળ હાથ ધરી હતી.

જુલાઈ મહિનામાં ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે બેફામ રીતે જેગુઆર કાર ચલાવીને ૯ લોકોના જીવ લીધા હતા. જે બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. છતાંય ઓવરસ્પીડ વાહન ચાલકોને કોઈ ડર રહ્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.