‘બનાસકાંઠાથી સંખારી’ ટ્રાન્સમિશન લાઈન 2000 મેગાવોટ વીજળીનું વહન થશે

પ્રતિકાત્મક
ઉંબરીમાં ‘બનાસકાંઠાથી સંખારી’ ટાવર ઈરેકશન કાર્યનો પ્રારંભ
કાંકરેજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હસ્તક અગાઉ જાહેર કરાયેલ ગ્રીન એનર્જી કોરિડોરના ભાગરૂપે તેમજ તેને સલગ્ન ગ્રીડ માટેની ૪૦૦ કે.વી. ડબલ સર્કિટ ‘બનાસકાંઠા થી સંખારી’ ટ્રાન્સમિશન લાઈન કે જે ર૦૦૦ મેગાવોટથી વધારે વીજળીનું વહન કરી શકવાની કેપેસીટી ધરાવે છે, જેનું નિર્માણ કાર્ય કેન્દ્રીય ઉર્જા મંત્રાલય હસ્તકના જાહેર એકમ ‘પાવરગ્રિડ’ દ્વારા શરૂ કરવામાં આવેલ છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉંબરી ગામના લોકેશન નંબર-૮/૧ ખાતેથી વરુણકુમાર બરનવાલ, ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ બનાસકાંઠા તેમજ પાવરગ્રિડ, મહાપ્રબંધક એસ.આર. શર્માના હસ્તે ટ્રાન્સમિશન લાઈનના ટાવર ઈરેકશન કાર્યનો શુભઆરંભ કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રાંત અધિકારી નેહા પંચાલ વગેરે હાજર રહ્યા હતા.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગામલોકો તથા ખેડૂતો દ્વારા લાઈન તથા વળતર અંતર્ગત પ્રશ્રો પૂછવામાં આવેલ જેના ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ દ્વારા સંતોષપૂર્વક જવાબ આપેલ તથા સરકારી નિયમ મુજબ યોગ્ય વળતર મળી રહે એવું આશ્વાસન આપ્યું હતું.
પરિયોજનાના નિર્માણથી ગુજરાત તેમજ રાષ્ટ્ર વીજળીના ક્ષેત્રે નવા સોપાનો સર કરી વીજ આપૂર્તિના લક્ષ્યાંકો હાંસલ કરી શકશે તેમજ વિકાસમાં મદદરૂપ બની શકશે. આ કાર્યક્રમનું આયોજન પાવરગ્રિડના ઉપમહાપ્રબંધક પંકજકુમાર ગુપ્તા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.