બાઈડન સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા સ્પીકરની મંજૂરી
વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડેન જી૨૦ સમિટમાંથી પરત ફરતાની સાથે જ મુશ્કેલીમાં મુકાયા છે. હાઉસ સ્પીકર મેકકાર્થીએ તેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવાની મંજૂરી આપી છે. સ્પીકરે કહ્યું કે તેઓ ગૃહની એક સમિતિને બાયડેન પરિવાર સામે તેમના વ્યાપારિક ડીલ અંગે તેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા નિર્દેશ આપી રહ્યા છે.
રિપબ્લિકન હાઉસના સ્પીકર કેવિન મેકકાર્થીએ આ પગલું ભર્યું હતું. ૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સ્પીકરનું આ ઐતિહાસિક પગલું ડેમોક્રેટિક પાર્ટીને ભારે પડી શકે છે. જાે બાયડેન પર આરોપ છે કે તેઓ ૨૦૦૯ થી ૨૦૧૭ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના પુત્ર હન્ટર બાયડેનને વિદેશી વેપારમાં ફાયદો કરાવ્યો હતો.
રિપબ્લિકન્સે આ વર્ષે ઘણા મહિનાઓ સુધી આ અંગે તપાસ હાથ ધરી હતી, પરંતુ બાડેન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા ન હતા. મેકકાર્થીએ કહ્યું કે જ્યાં પુરાવા અમને લઈ જશે અમે ત્યાં જઈશું.