અમદાવાદ : ડેંગ્યુના માત્ર સાત દિવસમાં જ ૯૬ કેસો નોંધાયા
અમદાવાદ: ડિસેમ્બરની શરૂઆત થઇ ચુકી છે ત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા છે. માત્ર સાત દિવસમાં જ ડેંગ્યુના ૯૬ કેસો નોંધાઈ ચુક્યા છે જે ચિંતાની બાબત દેખાઈ રહી છે. અમદાવાદ શહેરમાં ડેંગ્યુનો આતંક અકબંધ રહ્યો છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હોવા છતાં ડેંગ્યુના શ્રેણીબદ્ધ કેસો નોંધાઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં જ ડેંગ્યુના સાત દિવસમાં જ ૯૬ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે જ્યારે ચિકનગુનિયાના પણ સાત કેસ સપાટી ઉપર આવ્યા છે. આવી જ રીતે સાત દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૧૧૨ કેસ નોંધાઈ ચુક્યા છે. ટાઇફોઇડના ૭૯ કેસો સપાટી ઉપર આવ્યા છે. આંકડા પર નજર કરવામાં આવે તો માત્ર નવેમ્બર મહિનામાં ૭૯૩ કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.
પહેલીથી ૩૦મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ડેંગ્યુના ૭૯૩ કેસો નોંધાયા હતા. ૨૦૧૮માં ડેંગ્યુના ૩૩૨ કેસ નોંધાયા હતા જેની સામે આંકડો ૨૦૧૯માં પહેલાથી જ બે ગણો થઇ ચુક્યો છે અને આંકડો ૭૯૩ ઉપર તો નવેમ્બરના અંત સુધી જ પહોંચી ગયો હતો. ઝાડા ઉલ્ટીના નવેમ્બર સુધી ૪૬૮ કેસો નોંધાયા હતા આવી જ રીતે ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૧૨૪૧૯૮ લોહીના નમૂનાની સામે ૭મી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૨૪૨૮૬ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૨૧૦૪ સિરમ સેમ્પલની સામે ૭મી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૩૭૧ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. કમળાના સાત દિવસના ગાળામાં ૪૦, ટાઇફોઇડના ૭૯ કેસો સપાટી ઉપર આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ૨૯૨૪ ક્લોરિન ટેસ્ટ આ ગાળા દરમિયાન કરવામાં આવ્યા છે. ઉપરાંત ક્લોરિન ગોળીઓનું વિતરણ, પાણીના નમૂનાની તપાસ કરાઈ છે. બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે હજારોની સંખ્યામાં પાણીના નમૂના લેવામાં આવ્યા છે. શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્ય છે.