બોગસ દસ્તાવેજોના આધારે પાન કાર્ડ બનાવી નાણાંકીય લાભો મેળવનાર પિતા-પુત્ર વિરૂધ્ધ ફરિયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેતરપીંડીની ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે ખાસ કરીને વહેપારીઓ સાથે ઉધારમાં માલ ખરીદયા બાદ નાણાં ચુકવવામાં છેતરપીંડી આચરવામાં આવી રહી છે જેના પગલે પોલીસતંત્ર આવા કિસ્સાઓમાં સાવચેતી પૂર્વક કાર્યવાહી કરતી હોય છે આ દરમિયાનમાં શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક ચોકાવનારી ઘટના ઘટી છે
જેમાં પિતા પુત્રએ બોગસ દસ્તાવેજાના આધારે પાનકાર્ડ બનાવી નાણાંકિય લાભો મેળવ્યા છે આ ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતા આ બંને આરોપીઓ વિરૂધ્ધ અગાઉ પણ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પણ આવી જ ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળી રહયું છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેતરપીંડીની ફરિયાદો વચ્ચે આનંદનગર પોલીસ સ્ટેશનમાં પિતા- પુત્ર વિરૂધ્ધ ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે.
બોડકદેવ રોડ પર આવેલા ગોયલ કોમ્પલેક્ષમાં રહેતા વિજય લક્ષ્મીનારાયણ પમનાની અને તેના પિતા લક્ષ્મીનારાયણ પમનાની વિરૂધ્ધ શુભવિલા સોસાયટી ઘુમા ગામમાં રહેતા આશિષ શર્માએ ફરિયાદ નોંધાવી છે
પિતા-પુત્રએ અલગ અલગ નામના બોગસ દસ્તાવેજાના આધારે ખોટી વિગતો ભરી પાન કાર્ડ બનાવેલા છે અને આ પાનકાર્ડના આધારે બેંકોમાં ખાતા ખોલાવી નાણાંકિય વ્યવહારો કરવાની સાથે સાથે નાણાંકિય લાભો પણ મેળવ્યા છે. આશિષ શર્માની આ ફરિયાદના આધારે પોલીસ સતર્ક બની ગઈ હતી.
પિતા પુત્રએ ખોટા દસ્તાવેજાના આધારે પાન કાર્ડ બનાવ્યા બાદ કેટલી છેતરપીંડી કરી છે અને ક્યા ક્યા લાભો મેળવ્યા છે તે અંગે તપાસ શરૂ કરતા કેટલીક મહત્વપૂર્ણ વિગતો પોલીસને મળવા લાગી છે આનંદનગર પોલીસ સ્ટેશનમાં જ બે વર્ષ પહેલા જ આવી જ ફરિયાદ પિતા-પુત્ર સામે નોંધાઈ હતી.
આ ઉપરાંત નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પણ બે ફરિયાદો નોંધાઈ છે જેમાં બે પાસપોર્ટ બનાવવાની ફરિયાદ પણ સામેલ છે. પિતા-પુત્ર સામે વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસ અધિકારીઓ સતર્ક થઈ ગયા છે અને ગંભીર ગણાતા આ બનાવમાં સઘન તપાસ શરૂ કરી દીધી છે. અગાઉ નોંધાયેલી ફરિયાદોમાં કોર્ટની અંદર કેસ ચાલુ છે ત્યારે પિતા-પુત્ર વિરૂધ્ધ વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી દીધો છે.