સંતરામપુરના ખેડાપા ગામે ૮ લોકોનું પોલીસે કર્યું રેસ્ક્યુ
સંતરામપુર, ગુજરાતમાં ગત શનિવારથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. તો બીજી તરફ હજુ પણ બેથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સરકારી અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં ૨૧ તારીખ સુધી ભારે વરસાદની આગાહીને લઈને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટેની સૂચના આપવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં શનિવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જે બાદ રવિવારની સવારથી જ જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થતાં વરસાદની કાગડોળે રાહ જાેઈ રહેલા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. પરંતુ બીજી તરફ આ વરસાદ કેટલાય લોકો, પરિવારો માટે આફત લઈને ઉતર્યો હતો ત્યારે આવા આફતના સમયે મહીસાગર પોલીસે પોતાના જીવની પરવા કર્યા વગર લોકોને મદદ કરી હતી.
મહીસાગર જિલ્લા પોલીસ પાણીમાં ફસાયેલા લોકો માટે બની દેવદૂત બની હતી. પોલીસે નદીકાંઠે રહેતા લોકોનો રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યા હતા. રાજસ્થાનના સરહદી વિસ્તારમાં પાણી ભરાતાં પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી. સંતરામપુરના ખેડાપા ગામે ૮ લોકોનું પોલીસે રેસ્ક્યૂ કર્યું હતું.
રાજસ્થાનમાંથી તણાઇને ખેડેપા બેટમાં ફસાયેલા લોકોનું પોલીસ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો મહીસાગર પોલીસ દ્વારા ૨૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. ભારે જહેમત બાદ પાણી ઓસરતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ભારે વરસાદ વચ્ચે પોલીસ જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સતત ખડેપગે રહીને લોકોને મદદરૂપ બન્યા હતા, જિલ્લા પોલીસ વડા સતત પોલીસના સંપર્કમાં રહી જ્યાંથી કોલ આવે અથવા જ્યાંથી કોઈ ઘટનાની માહિતી મળે ત્યાં તુરંત પોલીસની ટીમ મોકલી આપતા હતા. પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા. પોલીસે સ્થળાંતર કરેલ લોકોને ભોજન, ફૂડપેકેટ વિતરણ કર્યા હતા, સાથે જ તમામ પ્રકારની મદદ પૂરી પાડી હતી.SS1MS