સુરતના 5 જ્વેલર્સ જૂથ ઉપર આઈટીના દરોડા
સુરત, સુરત શહેરમાં આઇટી વિભાગની ટીમ વધુ એક વખત તપાસ અર્થે ત્રાટકી હતી. જેમાં પાંચ જ્વેલર્સના ૪૦ થી વધુ સ્થળોએ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું.
છેલ્લા ૬ વર્ષના હિસાબની તપાસ કરવામાં આવે અને મોબાઈલ સોફ્ટવેર અને એપ્લિકેશનમાં છુપાવી રાખેલી માહિતી સહિતના દસ્તાવેજાેની તપાસણી કરવામાં આવે તેવું આવકવેરા વિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ આવકવેરા વિભાગની ટીમના સર્ચ ઓપરેશનને લઈ અમુક વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
મહત્વનું છે કે હાલ ૪૦ સ્થળોએ તપાસ દરમિયાન રોકડમાં ખરીદ-વેચાણના દસ્તાવેજ મળી આવ્યા હતા. તથા રૂ. ૩૦ લાખની જ્વેલરીનું વેચાણ રોકડમાં કર્યા હોવાનું પૂરાવા પણ મળી આવ્યા હતા.
આ આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનને લઈ કસૂરવાર વેપારીઓમાં સોંપો પડી ગયો હતો અને તપાસ ચાલી રહી હતી તે વિસ્તારમાં વેપારીઓ દુકાનો બંધ કરી રવાના થઈ ગયા હતા. તપાસનો રેલો પોતાના સુધી પહોંચે તેવા ડરનામાર્યા અને કાર્યવાહીથી બચવા ઘણી દુકાનો બંધ રહી હોવાનું પણ જણાઈ રહ્યું છે.
બીજી તરફ આગામી અઠવાડિયે ૩૦થી વધુ લોકર્સ પણ ઓપરેટ કરવામાં આવે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ અંગે તપાસ બાદ મોટી રકમની ટેક્સચોરી અને ગેરરીતિ સામે આવે તેવી સંભાવના આવકવેરા વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે હાલના આ સર્ચ ઓપરેશન દરમિયાન શું શું વાંધાજનક સામે આવ્યું તે મામલે આગામી સમયમાં આવકવેરા કચેરી દ્વારા સત્તાવાર રીતે સમર્થન મળી શકે છે.