અંબાજી શક્તિમેળામાં ૭૭ સ્ટોલમાં હસ્તકલાની વસ્તુઓ વેચાણમાં મૂકવામાં આવી
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા અંબાજી મુકામે મહિલા શક્તિ મેળા નું આયોજન કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર) ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા અંબાજી મુકામે મહિલા શક્તિ મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. જેને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ શક્તિમેળા માં ૭૭ સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાંથી મહિલા કારીગરો દ્વારા બનાવવામાં આવેલ વિવિધ હસ્તકલાની વસ્તુઓ વેચાણમાં મૂકવામાં આવી છે. તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા બાળ અધિકારીશ્રી ની કચેરી દ્વારા મહિલા બાળ વિકાસની મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો સ્ટોલ અને આઇસીડીએસ શાખા દ્વારા મિલેટસ અંતર્ગત વિવિધ વાનગીઓનો સ્ટોલ પણ ગોઠવામાં આવ્યા છે.
મહિલા શક્તિ મેળાનું ઉદઘાટન કરતાં કલેકટર શ્રી વરુણકુમાર બરનવાલે બહેનોને પ્રોત્સાહન મળે તે માટે વધુમાં વધુ લોકો આ મેળાની મુલાકાત લે એવી યાત્રિકોને અપીલ કરી હતી.
શક્તિમેળા ના ઉદ્ઘાટન પ્રસંગે દાંતા પ્રાંત અધિકારીશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારસુશ્રી સિદ્ધિ વર્મા , મહિલા આર્થિક વિકાસ નિગમના મેનેજરશ્રી વિવેક શાહ, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી બનાસકાંઠા રમીલાબા ચાવડા , મહિલા આર્થિક વિકાસ નિગમમાંથી શ્રી જીંજાલા ઉપસ્થિત રહ્યા હતા.