Western Times News

Gujarati News

જામનગરથી રાજકોટ વચ્ચે અવરજવર કરતા લોકોના સમય અને ઇંધણનો બચાવ થશે આ સિક્સલેન માધાપર ઓવરબ્રિજથી

માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ-મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતું.-

રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે એકાત્મવાદના પ્રણેતા શ્રી દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે તેમનું ભાવ સ્મરણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ  મોદીએ પાયાની આંતરમાળખાકીય સુવિધા વીજળી, રસ્તા, નેટવર્ક જેવી સુવિધાઓ રાજયના દરેક વિસ્તાર સુધી પહોંચે તેવી કાર્ય-સંસ્કૃતિ વિકસાવી છે, આ પરંપરાને રાજ્ય સરકારની ટીમ આગળ ધપાવી આ સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ આવનજાવનમાં વધુ સગવડ મળશે. આ ફ્લાયઓવર થકી જામનગર- રાજકોટ વચ્ચે અવરજવર કરતા નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ થશે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને જરૂરી આંતરમાળખાકીય સુવિધાથી સજજ બનાવી અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનાવ્યું  છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે હવે દેશ ને આ વિઝનરી લીડરશિપ  નો લાભ મળતો થયો છે.

દેશમા ૯ વર્ષમાં ૩ લાખ ૨૮ હજાર કી. મી.ના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. દેશમાં રોજના ૩૭ કી. મી. હાઈવેનુ નિર્માણ થઇ રહ્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢ માળખાને વધુ વિકસિત કરવા માટે  રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં  માર્ગ મકાન વિભાગ માટે રૂ. ૨૦,૬૦૦ કરોડ જેટલી રકમ ફાળવી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

હાઇવેને ફોરલેન બનાવવા માટે ૨૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે એટલું જ નહિ હાઇવે સાથે મોટા શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે તેના રસ્તાઓને વધુ વિકસિત કરવાની રાજય સરકારની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ છે એમ શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું.

કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ઓવરબ્રિજના પ્રવેશ પાસે પરંપરાગત રીતે શ્રીફળ વધેરીને બ્રિજને ખુલ્લો મુક્યા બાદ શુભારંભ થયેલા બ્રિજ પર સફર કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થનાર આ બ્રીજ રૂ. ૬૦ કરોડથી વધુના ખર્ચે બન્યો છે, તેની લંબાઇ ૧૧૨૫ મીટર અને ૨×૧૧ મીટર પહોળાઇ છે, આ ઓવરબ્રિજની બંને તરફ ૮.૮ મીટર પહોળાઈના સર્વિસ રોડ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

આ બ્રીજ સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની સુવિધાથી સજ્જ છે. ઓવરબ્રિજના વાહનની સુગમ અવરજવર માટે માધાપર ચોકડી પર ૫૦ મીટર અને માધાપર ગામથી ઈશ્વરીયા પાર્ક તરફ જવા માટે ૩૦ મીટર પહોળાઈનું જંકશન પણ બનાવવામાં આવેલ છે.

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહ,  ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જૈમીન ઠાકર, દંડકશ્રી મનીષભાઈ રાડીયા, શાસક પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, પૂર્વ મેયરશ્રી પ્રદીપભાઈ ડવ, અગ્રણીઓશ્રી મુકેશભાઈ દોશી,

શ્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો. માધવ, કમલેશ મિરાણી, પોલિસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, નિવાસી અધિક કલેકટરશ્રી એસ. જે. ખાચર, પ્રાંત અધિકારીશ્રી સંદીપ વર્મા તેમજ વિવેક ટાંક, ડી.સી.પી શ્રી ભાર્ગવ પંડ્યા તેમજ પૂજા યાદવ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી કે.એન.ઝાલા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.