કામેડિયન કપિલ શર્મા પિતા બન્યો: ઘરે આવી નન્હી પરી
મુંબઇ, કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથ એક પુત્રીના માતાપિતા બન્યા છે. ગિન્નીએ એક પુત્રીને જન્મ આપ્યો છે. કપિલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેણે પોતાના ટિ્વટમાં લખ્યું કે, અમારે પુત્રીનો જન્મ થયો છે. તમારા આશીર્વાદ જરૂરી છે. તમામનો પ્રેમ. કપિલના ટ્વીટ બાદ ચાહકોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું. કપિલે આ ટ્વીટ સવારે ૩.૩૦ વાગ્યે કર્યું છે. રાપર ગુરુ રંધાવાએ કપિલને અભિનંદન આપતાં લખ્યું કે ‘અભિનંદન મેરે પાજી. હું સત્તાવાર રીતે કાકા બની ગયો. ‘ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ પણ કપિલને અભિનંદન આપ્યા. તેણે લખ્યું કે, ‘દીકરીની તમને ખૂબ ખૂબ અભિનંદન.
હાસ્ય કલાકાર અને યુટ્યુબર ભુવન બામે લખ્યું, ‘ભાઈ તમને અભિનંદન.’ ચાહકો સતત કપિલને અભિનંદન મેસેજ પણ મોકલી રહ્યા છે. કપિલ અને ગિન્નીએ ગયા વર્ષે ૧૨ ડિસેમ્બરે જલંધરમાં લગ્ન કર્યા હતા. કપિલ અને ગિન્નીએ દિલ્હી અને મુંબઈમાં પણ રિસેપ્શન આપ્યા હતા. કપિલના લગ્નમાં બોલિવૂડ અને ટીવી જગતના ઘણા કલાકારો પહોંચ્યા હતા. કપિલ અને ગીન્ની કોલેજના દિવસોથી જ એક બીજાને ઓળખતા હતા. શરૂઆતમાં તેમના બંને પરિવારો આ લગ્ન માટે તૈયાર ન હતા પરંતુ બાદમાં સંમત થયા હતા. ૨૦૧૭માં જ્યારે કપિલ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેને ગિન્નીએ સંભાળ્યો.
આ માહિતી કપિલે એક ઇન્ટરવ્યુમાં પણ આપી હતી. કપિલે કહ્યું હતું કે તે દરમિયાન તેમને લાગ્યું હતું કે ગિની તેના જીવનસાથી બનવા લાયક છે. જુલાઈમાં કપિલે કહ્યું હતું કે ગિન્ની ગર્ભવતી છે. ગિન્નીની સંભાળ રાખવા કપિલે થોડા સમય માટે ટીવીમાંથી બ્રેક પણ લીધો હતો.