આગામી છ દિવસમાં અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે
અમદાવાદ, રાજ્ય પર હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેથી ગુજરાતના કોઇપણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી. ત્યારે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગ દ્વારા છ દિવસ માટે કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તે અંગેનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. આગામી છ દિવસમાં અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત તેમણે ૨૯મી સપ્ટેમ્બરના રોજ ક્યાં વરસાદ થશે તે અંગેનું અનુમાન કરીને જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની સંભાવના છે. ૩૦મી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથમાં હળવા વરસાદની સંભાવના છે.
પહેલી ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.
આ સાથે તેમણે બીજી ઓક્ટોબર અંગે જણાવ્યુ કે, ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. ત્રીજી ઓક્ટોબરે ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.SS1MS