Western Times News

Gujarati News

અંજીરની ખેતી કરી વિરમગામના ખેડૂત પિતા-પુત્ર કરે છે મબલખ કમાણી

અમદાવાદમાં અંજીરની ખેતી – જિલ્લામાં બાગાયત ક્ષેત્રે આશાનું નવીન કિરણ

ગ્રીન ફળને પ્રોસેસ કરીને ડ્રાય કરવાની વ્યવસ્થાના અભાવે તથા ગ્રીન ફળના જોઈએ તેવા ભાવ ન મળવાના કારણે ખેડૂતો અંજીરની ખેતી ઓછી અપનાવે છે

આનંદભાઈએ ડ્રાયર પ્રોસેસિંગ યુનિટ સ્થાપીને ડ્રાય અંજીર બનાવીને જાતે જ બજારમાં મૂકીને મબલખ કમાણી કરી-જિલ્લામાં બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગો થકી પ્રગતિશીલ ખેડૂતો

પરિવર્તનના આધુનિક યુગમાં અમદાવાદ જિલ્લાના ખેડૂતો પણ પરંપરાગત ખેતીમાંથી હવે બાગાયતી ખેતી અને પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યાં છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેડૂતો અવનવા પ્રયોગો અને દિશાસૂચક માર્ગદર્શન થકી અવનવા બાગાયતી પાકો લઈને બાગાયતી કૃષિ ક્ષેત્રે નવી કેડી કંડારી રહ્યાં છે.

આવા જ એક ખેડૂત છે વિરમગામ તાલુકાના શિવપુરા ગામના જગજીવનભાઈ અને તેમના પુત્ર આનંદભાઈ પટેલ. આનંદભાઇએ પોતાના પિતાએ શરૂ કરેલી અંજીરની ખેતીને સફળતાપૂર્વક આગળ ધપાવીને જિલ્લામાં બાગાયત ક્ષેત્રે આશાનું નવીન કિરણ જન્માવ્યું છે.

વિરમગામના આ પ્રયોગશીલ ખેડૂત પિતા-પુત્ર જિલ્લાના ખેડૂતો માટે બાગાયતી કૃષિમાં અવનવા પાકો લેવા માટે પ્રેરણારૂપ બન્યાં છે.

આનંદભાઈ છેલ્લા ૨ વર્ષ થી અંજીર ની ખેતી કરે છે. આ વર્ષે તેમણે બાગાયતી નવીન પાક તરીકે ૫ વિઘા વિસ્તારમાં કેલિફોર્નિયા યલો (ડાયના) જાતના ૧૧૦૦ રોપા અંજીરનું વાવેતર કરેલ છે.  પ્રોસેસિંગ કરેલ અંજીરના બજાર ભાવ ખૂબ સારા મળે છે.

અંજીરના રોપાની કિંમત રૂ. ૯૦ પ્રતિ છોડ જેટલી હોય છે. આનંદભાઈએ પ્રથમ વર્ષે ૫-૭ કિલો જ્યારે બીજા વર્ષથી ૭-૧૦ કિલો ગ્રીન ફળ જેટલું પ્રતિ રોપા ઉત્પાદન મેળવ્યું છે.

આ વર્ષે ૧૧૦૦ જેટલાં રોપા વાવેલ છે, જેમાં એક છોડ દીઠ ૧૦ થી ૧૫ કિલો ગ્રીન ફળ મળવાનો અંદાજ છે. એટલે કે ચાલુ વર્ષે અંદાજિત ૧૧ થી ૧૫ હજાર કિલો ગ્રીન અંજીર ફળનું ઉત્પાદન મળવાનો અંદાજ છે.

આ વર્ષેથી આનંદભાઈ પોતાના ખેતર પર જ મૂલ્યવર્ધન યુનિટ ઉભુ કરીને અંજીરનું પ્રોસેસીંગ કરે છે. ડ્રાયર પ્રોસેસિંગ યુનિટમાં ડ્રાય કરતા ૨૫ ટકા મળતરના હિસાબે ૧૧ થી ૧૫ હજાર કિલો ગ્રીન અંજીર ફળમાંથી ૨૭૦૦ થી ૪૦૦૦  કિલો જેટલું ડ્રાય અંજીરનું ઉત્પાદન મેળવી શકાય તેમ છે. ડ્રાય અંજીર ફળનો બજાર ભાવ અમદાવાદનાં માર્કેટમાં ૫૦૦ થી ૮૦૦ રૂપિયા પ્રતિ કિલો જેટલો મળે છે.

જો ગ્રીન ફળ સીધા જ (સૂકવણી કર્યા વગર) પ્રોસેસિંગ વાળા વેપારીને વેચવામાં આવે તો ૫૦ થી ૧૦૦ રૂ. પ્રતિ કિલો જેટલો જ ભાવ મળે, જેની સામે ડ્રાય અંજીરના પ્રતિ કિલો ૫૦૦ થી ૮૦૦ રૂપિયા જેટલા ભાવ ગુણવત્તાના આધારે મળતા હોય છે. આમ, ડ્રાયર પ્રોસેસિંગ યુનિટ સ્થાપીને આનંદભાઈએ નવીન પ્રયોગ થકી ગ્રીન ફળના યોગ્ય ભાવ ન મળવાના કારણે અંજીરની ખેતી ન અપનાવતા ખેડૂતો માટે અંજીરના પાકમાંથી અંજીરની ફાઈનલ પ્રોડક્ટ એવા ડ્રાય અંજીર બનાવીને પોતે જ બજારમાં મૂકીને મબલખ કમાણી કરવા માટે માર્ગ ચીંધ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,અંજીર એ એક સૂકા અને સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશનું ફળઝાડ છે. ગુજરાતમાં જૂનાગઢ, ખેડા, વડોદરા જીલ્લામાં છૂટાછવાયા છોડ મળે છે.

આ પાકની યોગ્ય સમયે છાંટણા, ખાંચા પાડવા તેમજ ગેરુ રોગના નિયંત્રણની જાણકારીના અભાવને કારણે તથા ગ્રીન ફળને પ્રોસેસ કરીને ડ્રાય કરવાની વ્યવસ્થાના અભાવે તથા ગ્રીન ફળના જોઈએ તેવા ભાવ ન મળવાના કારણે અંજીરની વ્યવસ્થિત ખેતી થતી નથી એટલે કે ખેડૂતો આ પાકને એટલો અપનાવતા નથી.

અંજીરની રોપણી ખાસ કરીને જુલાઈ- આગષ્ટ માસમાં કરવામાં આવે છે. અંજીરના છોડ બે થી ત્રણ વર્ષના થાય ત્યાં સુધી કઠોળ અને રીંગણ, મરચા, ટામેટા, ભીંડા, ગુવાર જેવા પાકો આંતરપાક તરીકે તેની સાથે લઈ શકાય છે. અંજીરની ખેતીમાં ગ્રીન ફળની સૂકવણી મહત્વનો ભાગ ભજવતી હોય છે. સામાન્ય રીતે પાંચમાં વર્ષથી સ્થિર ઉત્પાદન મળે છે. અંજીરના ઝાડ ૩૦ થી ૪૦ વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે ત્યારબાદ ઉત્પાદન ઘટે છે.

પ્રોસેસીંગ યુનિટ માટે ચાલુ વર્ષે આનંદભાઈએ બાગાયત વિભાગમાં સહાય અર્થે અરજી કરેલ છે. આનંદભાઈની અંજીરની સફળ ખેતીને પગલે બાગાયત વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં અંજીર પાકનું આશાસ્પદ પાક તરીકે વાવેતર વધે તેવા  પ્રયત્ન હાથ ધરવામાં આવનાર છે

તેમજ આ પાક બાબતે ખેડૂતોને માહિતગાર કરીને વધુને વધુ ખેડૂતો આવા નવીન બાગાયતી પાકો અપનાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવનાર છે તેમજ ખેતી અંગે પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે. આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.