સિક્કિમ: તિસ્તા નદીના જળસ્તરમાં ૧૫થી ૨૦ ફૂટનો વધારો: લશ્કરનાં ૪૧ વાહનો ડૂબ્યાં
સિક્કિમમાં વાદળ ફાટતાં આર્મી કેમ્પ જળમગ્નઃ ૨૩ સૈનિકો લાપતા
સિક્કિમ, સિક્કિમમાં આજે વહેલી સવારે વાદળ ફાટતાં ભારે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને તિસ્તા નદી કિનારાનાં વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે. ગંભીર બાબત એ છે કે, નદી કિનારે આવેલાં આર્મી કેમ્પ નદીના પાણીમાં જળમગ્ન બની ગયો હતો. અને કેમ્પમાંથી ૨૩ જેટલાં સૈનિકો લાપતાં બની ગયાં છે. ઘટનાની જાણ થતાં સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરીમાં જાેડાયું હતું. સાથે-સાથે લશ્કરની ટુકડીઓએ પણ બચાવ કામગીરીમાં જાેડાઈ હતી.
સિક્કિમમાં આજે વહેલી સવારે વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવવાથી ૨૩ સૈનિકો ગુમ થઈ ગયા છે. ડિફેન્સ પીઆરઓના જણાવ્યા અનુસાર, આજે સવારે લોનાક તળાવ પર વાદળ ફાટવાને કારણે લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું.
નદીને અડીને આવેલા વિસ્તારમાં આર્મી કેમ્પ હતા, જે પૂરમાં તણાઈ જતાં ધોવાઈ ગયા છે. ગુવાહાટીના ડિફેન્સ પીઆરઓએ કહ્યું- પાણીમાં અચાનક વધારો થવાને કારણે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવું પડ્યું. આ પછી તિસ્તા નદીને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી ગયા હતા. અહીં સિંગથામ નજીક બરડાંગમાં પાર્ક કરાયેલાં આર્મીનાં વાહનો ડૂબી ગયાં હતાં.
આર્મીના જણાવ્યા અનુસાર વાદળ ફાટવાની ઘટના બાદ તિસ્તા નદીનું જળસ્તર અચાનક ૧૫ થી ૨૦ ફૂટ વધી ગયું હતું. આ પછી નદીને અડીને આવેલા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. નદીના પાણી પણ અનેક ઘરોમાં ઘૂસી ગયાં હતાં. લોકો ઘર છોડીને સલામત વિસ્તારોમાં ગયા.
ગુવાહાટીના ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું કે દુર્ઘટના બાદ લાપતા સેનાના જવાનોની શોધ માટે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસન પણ પોતાના સ્તરે બચાવ કાર્ય ચલાવી રહ્યું છે. જાે કે હજુ સુધી જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી.
આ પહેલાં સિક્કિમમાં ૧૬ જૂને પણ વાદળ ફાટ્યું હતું. અહીં પાક્યોંગમાં ભૂસ્ખલન અને પછી વાદળ ફાટવાના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેના કારણે અનેક લોકો પ્રભાવિત થયા હતા.
ભારતીય હવામાન વિભાગે પૂર્વ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ૪ અને ૫ ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.
અગાઉ ૨૦ જુલાઈએ હિમાચલના કુલ્લુમાં ૪ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી. જેમાં અનેક લોકો પૂરમાં વહી ગયા હતા. મનાલીની મુલાકાતે આવેલા ભારતીય નૌકાદળના ત્રણ અધિકારીઓ પણ આમાં સામેલ હતા. તે જ સમયે, ૯ જુલાઈએ જમ્મુના પુંછ જિલ્લામાં પૂરમાં સેનાના બે જવાનો તણાઈ ગયા હતા. બંને જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.