Western Times News

Gujarati News

અમદાવાદમાં વર્લ્ડ કપ પહેલાં “કેપ્ટન્સ ડે ઈવેન્ટ્‌સ” યોજાઈ

સ્પર્ધા ઘરઆંગણે હોય કે બહાર દબાણ સ્વભાવિક, ટીમ ઈન્ડિયા પડકાર માટે સજ્જઃ રોહિત શર્મા

(એજન્સી)અમદાવાદ, વર્લ્ડકપ ૨૦૨૩ શરૂ થવાના એક દિવસ પહેલા એટલે કે (૪ ઓક્ટોબર) બપોરે અમદાવાદના મોટેરા ખાતેના સ્ટેડિયમમાં તમામ ૧૦ ટીમોના કેપ્ટન એક થયા. આ ઈવેન્ટને ‘કેપ્ટન્સ ડે’ નામ આપવામાં આવ્યું હતું.

આ ઈવેન્ટમાં રવિ શાસ્ત્રી અને ઈયોન મોર્ગને તમામ કેપ્ટનો સાથે તેમની વર્લ્ડકપની તૈયારીઓ વિશે વાત કરી હતી.

આ દરમિયાન જ્યારે રોહિત શર્મા સાથે વાત કરવામાં આવી તો તેણે ટીમ ઈન્ડિયાની તૈયારીઓને નક્કર ગણાવી. તેણે એમ પણ કહ્યું કે ભારતના લોકો તમામ ટીમોને પ્રેમ કરશે અને ટૂર્નામેન્ટ દરમિયાન તમામ સ્ટેડિયમ ભરાઈ જશે.

રોહિત શર્માએ કહ્યું, ‘વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરવી ગર્વની વાત છે. હું ખૂબ જ ઉત્સાહિત છું. દબાણ પણ ખુબ છે. સ્પર્ધા ભારતમાં હોય કે ભારત બહાર, હંમેશા દબાણ રહે છે.

આ વર્લ્ડકપ મુશ્કેલ હશે, પરંતુ અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે ખૂબ જ મહેનત કરી છે. યજમાન ટીમે છેલ્લા ત્રણ વર્લ્ડકપ જીત્યા છે, પરંતુ અમે આ ટૂર્નામેન્ટમાં એક સાથે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધીશું. વર્લ્ડકપમાં દરેક ટીમ પોતાની પૂરી તાકાત લગાવે છે. આપણે પણ એવું જ કરવાનું છે.

આપણે આપણી રમતનું સ્તર ઊંચું રાખવું પડશે. પ્રથમ બે મેચ ખૂબ જ ખાસ હશે. આ વેગ નક્કી કરશે. આ દરમિયાન રોહિત શર્માએ તમામ ટીમોના કેપ્ટનોને પણ સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું, ‘અહીં બેઠેલા તમામ કેપ્ટન પોતાના દેશ માટે કંઈક હાંસલ કરવા ઈચ્છે છે. વનડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવાનું દરેકનું સપનું હોય છે.

હું એક વાત પણ કહેવા માંગુ છું કે ભારતના લોકો ક્રિકેટને ખૂબ પ્રેમ કરે છે. ભારતમાં તમામ ટીમોને ઘણો પ્રેમ મળશે અને દરેક મેચમાં સ્ટેડિયમો ભરાઈ જશે.

આ દરમિયાન રોહિતને ભારતની પ્રેક્ટિસ મેચ રદ્દ કરવા અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. આ અંગે રોહિતે કહ્યું, ‘પ્રેક્ટિસ મેચ રદ્દ થવાને કારણે બહુ નુકસાન થયું નથી. અમે તાજેતરમાં કેટલીક મેચો રમી છે. જાે કે હું પ્રેક્ટિસ મેચ રમવા માંગતો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.