જિમ ટ્રેનર પર પાડોશી યુવકોએ તલવાર-ડંડા વડે હુમલો કર્યાે
અમદાવાદ, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં જિમ ટ્રેનર અને તેના ભત્રીજા પર તલવાર તેમજ ડંડા વડે હુમલો થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને ગોમતીપુર ખાતે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના જિમખાનામાં ટ્રેનર તરીકે નોકરી કરતા આધેડ જીતેન્દ્રસિંહ ચૌહાણે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ઋષિ ગુર્જર,
રામસિંગ ગુર્જર અને રામવીર ગુર્જર વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ કરી છે. જીતેન્દ્રસિંહનો કૌટુંબિક ઝઘડો ઘર બહાર ચાલી રહ્યો હતો ત્યારેે પાડોશમાં રહેતો ઋષિ ગુર્જર તેની પાસે આવીને માથાકૂટ કરવા લાગ્યો હતો. જીતેન્દ્રસિંહ ચૌહાણે તેને જતા રહેવાનું કહેતાં મામલો બીચક્યો હતો. ઋષિ ગુર્જરે ગાળો બોલીનેે જીતેન્દ્રસિંહ સાથે બબાલ કરવાનું શરૂ કરી દીધું હતું.
આ દરમિયાન ઋષિ ગુર્જરના સંબંધી રામવીર અને રામસિંગ તલવાર અને ડંડા લઇને દોડી આવ્યા હતા. જીતેન્દ્રસિંહ ચૌહાણને ડંડા વડે માર માર્યા બાદ માથામાં તલવારનો ઘા ઝીંકી દીધો હતો.
આ સમયે જીતેન્દ્રસિંહનો ભત્રીજાે અરુણસિંહ વચ્ચે પડતાં ત્રણેય શખ્સોએ તેના પર પણ ડંડાથી હુમલો કર્યાે હતો. માર માર્યાની આ ઘટનામાં બૂમાબૂમ થઇ જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જ્યારે હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત જીતેન્દ્રસિંહ અને અરુણસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમરાઈવાડી પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા, જ્યાં જીતેન્દ્રસિંહના નિવેદનના આધારે ઋષિ, રામસિંગ અને રામવીર વિરુદ્ધ ગુનો દાખલ કર્યાે હતો. અમરાઈવાડી પોલીસે ત્રણેયને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.