યુગાન્ડા ખાતે યોજાયેલી ૬૪મી પાર્લામેન્ટરી કોન્ફરન્સમાં ગુજરાત વિધાનસભાને મળ્યુ મહત્વનું સ્થાન
મને જે તક મળી તેનુ કારણ ગુજરાત છે, વાસ્તવમાં આ અભિનંદન મને નહી, ગુજરાતને છે : અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી
સમગ્ર સભાગૃહને ગૌરવ થાય તેવી એક ઘટના બની છે, તેમ કહીને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, કોમનવેલ્થ પાર્લામેન્ટની કોન્ફરન્સ વિશ્વના જુદા-જુદા દેશોમાં મળતી હોય છે. જેની અંદર વિશ્વના જુદા-જુદા દેશોની વિધાનસભાના અધ્યક્ષ, એમ.પી. અને એમ.એલ.એ. એક વૈશ્વિક મંચ પર એકત્ર થઇ લોકશાહીની આખી પાર્લામેન્ટરી વ્યવસ્થાની ચર્ચા કરતા હોય છે. જે તાજેતરમાં ૬૪મી પાર્લમેન્ટરી કોન્ફરન્સ યુગાન્ડા ખાતે યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં ચર્ચાની એકાદ મિનીટ પણ જો કોઇને તક મળે તો એનું સૌભાગ્ય ગણાય. મંત્રી શ્રી જાડેજાએ તેમ કહીને ઉમેર્યું હતું કે, આ વૈશ્વિક કક્ષાના સ્ટેજમાં ગુજરાતના ઇતિહાસમાં ૧૯૬૭ પછી પહેલીવાર એવી ઘટના બની છે કે જેની અંદર આપણા અધ્યક્ષશ્રીને બે વખત પેનલને સંબોધનની તક મળી.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, ગુજરાત વિધાનસભામાંથી અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ પરમારઅને વિવેકભાઇ આ કોમનવેલ્થ પાર્લામેન્ટમાં હાજર રહ્યા હતા, એટલું જ નહી ત્યાંની ડીબેટમાં પણ ભાગ લીધો તે સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના છે તેમ કહીને અધ્યધક્ષશ્રીને ગૃહ વતી અભિનંદન પાઠવ્યા હતાં.
ધારાસભ્યશ્રી શૈલેષભાઇ પરમારે જણાવ્યું કે સી.પી.સી.ની બેઠકમાં અધ્યક્ષશ્રી સાથે ડેલીગેટ તરીકે જવાનો મોકો મળ્યો તે માટે મારી જાતને સૌભાગ્યશાળી માનું છું. યુગાન્ડામાં ગુજરાતી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા કરવામાં આવેલા તેમના સ્વાગત બદલ યુગાન્ડાના ગુજરાતી સમાજનો પણ તેમણે આભાર માન્યો હતો.
ધારાસભ્યશ્રી નૌશાદ સોલંકીએ અધ્યક્ષશ્રીને અભિનંદન આપતા ગૃહમાં જણાવ્યું કે, વિદેશના આટલા બધા અધ્યક્ષની વચ્ચે ગુજરાતી વિધાનસભાના અધ્યક્ષએ પેનલીસ્ટ તરીકે પેનલમાં બેસીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અભિનંદન મને નહીં પરંતુ ગુજરાતને છે. તેમ કહીને ઉમેર્યું હતું કે યુગાન્ડા ખાતે વસતા ગુજરાતીઓએ ગુજરાતનું ડેલીગેટ ક્યારે આવશે તે જાણીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને મને આ જે તક મળી તેનું કારણ ગુજરાત છે.