1300 કિલો જેટલો એકસપાયર થયેલો ગાયના ઘીનો જથ્થો નાશ કરવામાં આવ્યો
મ્યુનિ. કોર્પોરેશને તબીયત માટે હાનિકારક શુધ્ધ ગાયના ઘી ના જથ્થાનો નાશ કર્યો
પીપળજ વિસ્તારમાં શંકાસ્પદ પનીર અને બટરનો મોટો જથ્થો સીઝ કર્યાં બાદ સોમવારે ગાયના ઘી નો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, અંબાજી મંદિરમાં નકલી ઘી માંથી મોહન થાળનો પ્રસાદ બન્યો હોવાની વિગતો જાહેર થયા બાદ તેનો રેલો છેક અમદાવાદ સુધી પહોંચ્યો છે. અમદાવાદના વહેપારીઓ દ્વારા અંબાજી ખાતે નકલી ઘી સપ્લાય કરવામાં આવ્યુ હોવાની વિગતો જાહેર થયા બાદ મ્યુનિ. હેલ્થ ફુડ વિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા છે.
જેના સારા પરિણામ પણ મળી રહયા છે. બે દિવસ અગાઉ પીપળજ વિસ્તારમાં શંકાસ્પદ પનીર અને બટરનો મોટો જથ્થો સીઝ કર્યાં બાદ સોમવારે ગાયના ઘી નો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા ૧પ દિવસ દરમિયાન ઘી અને ખાદ્યતેલના નમૂના લઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ઓઢવ વિસ્તારમાં એસ.પી. રીંગ રોડ પર આવેલા રશ્મીગોથ હબ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા જૈનિથ એન્ટરપ્રાઈઝમાંથી ૧૩૦૦ કિલો જેટલો એકસપાયર થયેલો ગાયના શુધ્ધ ઘી નો જથ્થો નાશ કરવામાં આવ્યો છે જેની અંદાજિત કિંમત રૂા.૭.૭૦ લાખ જેટલી થાય છે.
આ ઉપરાંત શંકાસ્પદ લાગતા ૧૯પ કિલો ગ્રામ ઘી નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તેમજ ૭૯૦૭ કિલોગ્રામ ખાદ્યચીજના જથ્થાને પણ સીઝ કરવામાં આવ્યો છે જેની કિંમત ૃરૂા.૧૧ લાખ જેટલી થાય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રસીલા બ્રાન્ડ ઘી ના જથ્થાને નાશ કરવામાં આવ્યો છે. અંબાજીમાં વપરાયેલા ભેળસેળ યુક્ત ઘી ની ખરીદી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાંથી કરવામાં આવી હતી. મ્યુનિ.કોર્પો.ના ફુડ વિભાગ દ્વારા વહેપારીની દુકાનમાંથી સેમ્પલ લઈ બરોડા પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જાેકે હજુ સુધી આ સેમ્પલના પરિણામ મળ્યા નથી.