હમાસ નેશનલ સિક્યોરિટી ફોર્સનો વડો ઠાર
ગાઝામાં ચર્ચ પર હુમલામાં અનેક લોકો માર્યા ગયાની શંકા
(એજન્સી)તેલઅવિવ, પેલેસ્ટાઈનમાં હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયેલને મોટી સફળતા મળી છે. અહેવાલ અનુસાર હમાસ નેશનલ સિક્યોરિટી ફોર્સનો વડો જેહાદ મેહેસેન અને તેનો આખો પરિવાર ઇઝરાયલી સેનાના હવાઈ હુમલામાં ઠાર મરાયો છે.
ઇઝરાયલના સુરક્ષા દળોએ ગાઝા પટ્ટીમાં હમાસના અગ્રણી નેતા મહેસનના ઘર પર બોમ્બમારો કર્યો હતો અને તેને ધ્વસ્ત કરી નાખ્યો હતો જેમાં તેના સમગ્ર પરિવારનું મૃત્યુ થયું. અહેવાલ અનુસાર આ હુમલો ગાઝાના શેખ રઝવાનમાં કરવામાં આવ્યો હતો.
ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન રાષ્ટ્રીય સુરક્ષા દળોના કમાન્ડર મેજર જનરલ જેહાદ મહિસાન અને તેના પરિવારના સભ્યો શેખ રઝવાન વિસ્તારમાં પોતાના ઘર પર કરાયેલા બોમ્બમારામાં માર્યા ગયા હતા.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં લગભગ પાંચ હજારથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ દરમિયાન મંગળવારે ગાઝાની અલ-અહલી હોસ્પિટલ પર થયેલા હુમલામાં ૫૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા માટે હમાસ અને ઈઝરાયલ એકબીજાને જવાબદાર ગણાવી રહ્યા છે ત્યારે હમાસે ઈઝરાયલ પર વધુ એક આરોપ મૂક્યો છે.
માહિતી અનુસાર હવે ઈઝરાયેલ પર ચર્ચના પરિસરમાં હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. હમાસના નિયંત્રણ હેઠળના ગૃહ મંત્રાલયનું કહેવું છે કે ગુરુવારે મોડી રાત્રે થયેલા હુમલામાં ગાઝા પટ્ટીમાં એક ચર્ચમાં આશ્રય લેનારા અનેક લોકો માર્યા ગયા હતા.
મંત્રાલયે કહ્યું કે ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચના પરિસરમાં થયેલા હુમલામાં મોટી સંખ્યામાં જાનહાનિ થઇ છે. સેંકડોની સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનો દાવો કરાયો છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે પેલેસ્ટિની વિસ્તારમાં અથડામણો ફાટી નીકળ્યા બાદ ગાઝાના ઘણા રહેવાસીઓએ ચર્ચમાં આશરો લીધો હતો. એવું લાગે છે કે આ હુમલો કોઈ ધાર્મિક સ્થળ નજીક જઈને કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે અમે આ કથિત હુમલાની તપાસ કરી રહ્યાં છીએ.