ખેડબ્રહ્મામાં RSS દ્વારા શસ્ત્ર પૂજન તથા પથ સંચલન યોજાયું
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરમાં વિજયા દશમીના પાવન દિવસે શસ્ત્ર પૂજન તથા પથ સંચલન યોજાયું હતું. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વર્ષમા યોજાતા છ કાર્યક્રમો પૈકીનો શસ્ત્ર પૂજન તથા પથ સંચલનનો કાર્યક્રમ વિજયાદશમી તારીખ ૨૪-૧૦-૨૦૨૩ ને
મંગળવારના રોજ ખેડબ્રહ્માની હરણાવ નદી કિનારે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે યોજાયો હતો. ૭૦ જેટલા સ્વયંસેવકો દ્વારા શાખા લગાડી શસ્ત્ર પૂજન કર્યું હતું. શસ્ત્ર પૂજન બાદ પથ સંચલન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી કેટી હાઇસ્કુલ, માણેકચોક, રેલવે સ્ટેશન થઈ સરદાર ચોક પહોંચ્યું હતું .
સરદાર ચોકમાં ભારત વિકાસ પરિષદના કાર્યકરો તથા ખેડબ્રહ્માના અગ્રણીઓ દ્વારા પથ સંચલન કરતા સ્વયંસેવકો ઉપર પુષ્પ વર્ષા કરાઈ હતી. એ પછી આ પદ સંચલન પેટ્રોલ પંપ થઈ પરત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પહોંચ્યું હતું જયા તમામ સ્વયંસેવકોને ફાફડા જલેબી પીરસાયા હતા અને ત્યાં કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો.