Western Times News

Gujarati News

મોડાસામાં દશેરાની ઉજવણી નિમિત્તે 15 કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

‘આઓ બનાવીએ વ્યસનમુક્ત ભારત’ આંદોલન ચલાવવા સંકલ્પ લેવાયા

(તસવીરઃ કૌશિક પટેલ) મોડાસા, આજ દશેરા પર અધર્મ અને અહંકાર સામે વિજય પર્વ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું.

ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ ગાયત્રી મહામંત્ર તેમજ યજ્ઞિય પરંપરાની સાથે અનેક રચનાત્મક આંદોલન ચલાવવા માર્ગદર્શન આપેલ છે.

જેના ભાગ રુપે ગાયત્રી પરિવાર જન સમાજને સાચી દિશા આપી માનવમાત્રની દશા બદલવા અથાગ પ્રયત્ન કરતું રહ્યું છે.” દુષ્ટપ્રવૃતિઓનો નાશ અને સત્પ્રવૃતિ સંવર્ધન ” અંતર્ગત પણ અલગ અલગ કાર્યક્રમોથી લોક જાગૃતિ વધારવા પ્રયાસ કરે છે.

ભારત એ યુવા દેશ છે. પરંતુ વ્યસનોના રાક્ષસના ભરડામાં યુવાધન હોમાઈ રહ્યું છે. ગાયત્રી પરિવાર વ્યસનમુક્તિ માટે સતત પ્રયાસ કરી રહેલ છે. પરંતુ તેને તિવ્ર ગતિએ વેગવાન બનાવવા મુખ્યાલય શાન્તિકુંજ હરિદ્વારથી ૨૨ ઑક્ટોબરના રોજ એક રાષ્ટ્રવ્યાપી ઑનલાઈન સેમિનાર યોજાયો. જેમાં દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના ઉપકુલપતિ ડૉ. ચિન્મય પંડ્યાજીએ ” આઓ બનાવીએ વ્યસનમુક્ત ભારત” નામના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો વિધિવત શુભારંભ કર્યો.

દેશના નવ નિર્માણ માટેના આ અતિ મહત્વપૂર્ણ અભિયાનનો શુભારંભ કરતાં આદરણીય ચિન્મય પંડ્યાજીએ કહ્યું કે ગૌરવશાળી યુવા નેતૃત્વ તથા વિશ્વને આધ્યાત્મિક પ્રકાશ આપનાર દેશ ભારત આજે અનેક વ્યસનોની ચુંગાલમાં ફસાઈ રહ્યો છે. વ્યસન એ આધ્યાત્મિક તેમજ સામાજીક એમ બંને રીતે અયોગ્ય છે.

વ્યસન કરવું એ બહુ મોટી બિમારી છે. જે કરે છે એક જણ , પણ સજા ભોગવે છે આખો પરિવાર અને સમાજ. આ ઘાતક દુર્વ્યસન આપણા માટે બહુ મોટો પડકાર છે. જાે હવે વેળાસર તેનું સમાધાન કરવામાં નહીં આવે તો દેશનું ભવિષ્ય અંધકારમય બની જશે.

એટલે ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ હરિદ્વારથી આ દશેરાથી વ્યસનોરુપી અસુરતાનો નાશ કરવાના સંકલ્પ માટે ” આઓ બનાવીએ વ્યસનમુક્ત ભારત ” આંદોલન તિવ્ર ગતિએ ચલાવવા આહવાન કરવામાં આવ્યું. આ આંદોલનને તિવ્ર ગતિ આપવા વ્યસનમુક્તિ રેલીઓ, ચિત્ર પ્રદર્શન, પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન,

સેમિનાર, શેરી નાટકો, સંકલ્પ યજ્ઞ જેવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ માટે સમગ્ર ભારતભરમાં પ્રયાસ કરવામાં આવશે. જેના ભાગરુપે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા આજ દશેરા પર પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ મહાયજ્ઞમાં નવરાત્રિ દરમિયાન અનુષ્ઠાન વિશેષ સાધનામાં જાેડાયેલ સૌએ આહુતિઓ અર્પણ કરી. પૂર્ણાહુતિમાં સૌએ ‘આઓ બનાવીએ વ્યસનમુક્ત ભારત’ આંદોલનને તિવ્ર ગતિએ વેગવાન બનાવવાના સંકલ્પ લીધા.

વિશેષમાં ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના નવી દિલ્હીના ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં આયોજીત ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ડૉ. વિરેન્દ્ર કુમારજી , માનનીય સામાજીક ન્યાય તથા અધિકારીતા મંત્રી, ભારત સરકાર અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના ડૉ. ચિન્મય પંડ્યાજીની ગરીમામય ઉપસ્થિતિમાં સામાજીક ન્યાય તથા અધિકારીતા વિભાગ અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વચ્ચે સમજુતિ કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.