Western Times News

Gujarati News

રિક્ષા ગેંગે શ્રમજીવી યુવકને છરીની અણીએ લૂંટી લીધો

(એજન્સી) અમદાવાદ, એસપી રિંગ રોડ પર છરીની અણીએ પેસેન્જરોને લૂંટતી ટોળકી વધુ એક વખત સક્રિય થઈ છે. થોડા સમય પહેલાં ઓઢવ રિંગ રોડ પર ગાંધીનગર જઈ રહેલા એક યુવકને લૂંટી લેવાયો હતો આજે વધુ એક બનાવ સામે આવ્યો છે. મહિસાગર ખાતે પોતાના વતનમાં જઈ રહેલા એક શ્રમજીવી યુવકને છરીની અણીએ લૂંટી લીધો છે.

યુવક રિક્ષાની રાહ જોઈને ઊભો હતો ત્યારે એક શટલ રિક્ષા આવી હતી. જેમાં પહેલેથી એક મહિલા અને યુવક પસેન્જરના સ્વાંગમાં બેઠા હતા. પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ તેની પાસે રહેલી છરી કાઢીને ધમકી આપી હતી કે તારી પાસે જે કાંઈ હોય તે આપી દે. યુવક આપે તે પહેલાં મહિલાએ તેના ખિસ્સામાં હાથ નાંખીને ૧ર,૩૦૦ રૂપિયા કાઢી લીધા હતા. યુવકને રસ્તામાં વચ્ચોવચ ઉતારીને લૂંટારા ફરાર થઈ ગયા હતા. ઓઢવ પોલીસે આ મામલે રિક્ષાચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ઓઢવ વિસ્તારમાં આવેલા ક્રોમ સેન્ટરની સામે નવી બનતી સાઈટમાં કડિયાકામ કરતાં કાનજી રાવતને છરીની અણીએ લૂંટી લીધો હોવાની ઘટના સામે આવી છે. કાનજી રાવતે આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક, એક મહિલા સહિતના લોકો વિરૂદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે. કાનજી રાવતના માતા-પિતા મહિસાગર ખાતે રહે છે.

થોડા દિવસ પહેલાં કાનજીને મહિસાગર જવાનું હોવાથી તે રાતે ઓઢવ રિંગ રોડ પાસે આવેલી પામ હોટલ ખાતે ઊભો હતો. દરમિયાન એક રિક્ષાચાલક ત્યાં આવ્યો હતો. રિક્ષામાં પહેલેથી જ એક યુવક અને એક મહિલા પેસેન્જર તરીકે બેઠા હતા. કાનજીને ઓઢવ બ્રિજની ાચે જવાનું હોવાથી તે રિક્ષામાં બેસી ગયો હતો. કાનજીને વચ્ચે બેસાડવાનો હોવાથી યુવક રિક્ષામાંથી ઉતરી ગયો હતો. કાનજી રિક્ષામાં બેઠા બાદ યુવક તેની પાસે બેસી ગયો હતો. રિક્ષા થોડેક દૂર ગઈ ત્યારે યુવકે તેની પાસે રહેલી છરી કાઢી અને કાનજીને બતાવીને ધમકી આપી હતી કે તારા ખિસ્સામાં જે હોય તે આપી દે.

કાનજીએ રિક્ષાચાલકને કહ્યું હતું કે, તમે રિક્ષા ઊભી રાખો પરંતુ તે પણ લૂંટારું ટોળકીને હિસ્સો હોવાથી તેણે જવાબ આપ્યો હતો કે પહેલાં તારી પાસે જે કાંઈ પણ હોય તે આપી દે પછી જ રિક્ષા ઊભી રાખીશ. રિક્ષામાં બેઠેલી મહિલાએ કાનજીના ખિસ્સામાં હાથ નાંખીને ૧ર,૩૦૦ રૂપિયા કાઢી લીધા હતા. રિક્ષાચાલકે થોડેક દૂર લઈ જઈને કાનજીને ઉતારી દીધો હતો અને બાદમાં તે ફરાર થઈ ગયા હતા.

કાનજીએ આ મામલે ઓઢવ પોલીસને જાણ કરી છે જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરના એસપી રીંગ રોડ પર શટલ રિક્ષાની આડમાં લૂંટ કરતી ટોળકી સક્રિય થઈ છે જે મુસાફરોને છરીની અણીએ લૂંટી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.