સ્કૂલ ગેમ ફેડરેશન અંતર્ગત શાળાકીય બહેનોની કબડ્ડી સ્પર્ધાનું નિકોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન
રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાઓમાંથી 1200 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે
27 ઓક્ટોબર સુધી ચાલનારી સ્પર્ધાનું જિલ્લા રમતગમત અધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા સંચાલન
સ્કૂલ ગેમ ફેડરેશન અંતર્ગત રાજ્યકક્ષાની બહેનોની કબડ્ડી સ્પર્ધા નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અમદાવાદ ખાતે યોજાઇ રહી છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું સંચાલન જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે. 27 ઓક્ટોબર સુધી ચાલનારી સ્પર્ધામાં તમામ જિલ્લામાંથી અંડર 14/17/19 એમ ત્રણ વય ગ્રુપમાં 1200 થી વધુ ખેલાડીઓએ ભાગ લેનાર છે.
દરેક વજૂથની સ્પર્ધાઓ માટે 3 દિવસ ફાળવવામાં આવ્યાં છે. જેમાં અંડર 14 સ્પર્ધા પૂર્ણ થઈ ગયેલ છે. જ્યારે હાલમાં અંડર 17 બહેનોની સ્પર્ધા ચાલુ છે અને આગામી દિવસોમાં અંડર 19 બહેનોની સ્પર્ધા યોજાનાર છે. અત્રે નોંધનીય છે કે, આ સ્પર્ધામાંથી પસંદ થયેલ ખેલાડીઓનો નેશનલનો કેમ્પ યોજાય છે અને તેઓને સીધા રાષ્ટ્રીય કક્ષાએ કક્ષાએ રમવા માટેની તક મળે છે.
આ સ્પર્ધા દરમિયાન ખેલાડીઓને પૌષ્ટિક ભોજન, નિવાસ અને આવા-જવાના ભાડાની સગવડ અપાય છે તથા ભાગ લીધાનું સર્ટિફિકેટ પણ અપાય છે અને વિજેતાઓને મેરીટ સર્ટિફિકેટ આપવામાં આવે છે.