રામોલમાં માથાભારે શખ્સોનો આતંક: 8 યુવકોએ હથિયારો લઈને હુમલો કર્યો
સામાન્ય બોલાચાલી થતાં આઠ યુવકો હથિયારો લઈને આવ્યા અને સીધો હુમલો કરી દીધો
(એજન્સી)અમદાવાદ, શહેરના રામોલ વિસ્તારમાં ગઈ કાલે મોડી રાતે માથાભારે શખ્સોએ બે બાઈકમાં તોડફોડ કરીને પાંચથી વધુ લોકો પર ડંડા અને પાઈપ વડે હુમલો કરતા ચકચાર મચીગઈ છે. યુવકને તેની સોસાયટીમાંરહેતા એક માથાભારે શખ્સ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. સામાન્ય બોલાચાલીમાં માથાભારે શખ્સના સંબંધીએ તેના સાગરીતોને હથિયાર લઈને બોલાવી દીધા હતા. આઠ જેટલા યુવક હથિયારો લઈને આવ્યા હતા અને પાંચ લોકો પર હુમલો કરીને ઘરમાં તોડફોડ કરીને રીતસરનો આતંક મચાવ્યો હતો.
રામોલ વિસ્તારમાં આવેલી વૃંદાવનપાર્ક સોસાયટીમાં રહેતા અને જાેયા એન્ટરપ્રાઈઝ નામથી ભંગારનો વેપાર કરવા દિલીપ નિશાદે રામોલ પોલીસ સ્ટેશનમાં દિપક તિવારી, રાજીવ, રોહિત જયસ્વાલ, અમિત જયસ્વાલ, ભૂરિયા સહિત આઠ લોકો વિરૂદ્ધ હુમલો મતેમજ લૂંટની ફરિયાદ કરી છે. દિલીપ નિશાદના ગોડાઉનમાં મોનુ તથા કપિલદેવ નામના યુવક નોકરી કરે છે. દિલીપના ઘરમાં કપિલ રહે છે જ્યારે મોનુ તેમના ઘરની પાછળ રહે છે.
ગઈકાલે રાતે નવ વાગ્યાની આસપાસ દિલીપ તેના પિત્ રામચયન, ભાઈ બિપીન, માતા વિમલાબહેન તથા પત્ની પૂનમ અને બહેન ચંદા સાથે ઘરે હાજર હતો ત્યારે કારીગર કપિલદેવ ઘરેથી જમીને સોસાયટી નજીક આવેલી ખારીકટ કેનાલ તરફ ફરવા માટે ગયો હતો. આ સમયે બીજા કારીગર મોનુની સોસાયટીમાં રહેતા જાેગેશ્વર સાથે કોઈ કારણસર બબાલ થઈ હતી. દિલીપ તેના ઘરના સભ્યો સાથે બહાર જાેવા માટે નીકળ્યો ત્યારે મોનુ અને જાેગેશ્વર બબાલ કરી રહ્યા હતા. દરમિયાનમાં કપિલદેવ આવ્યો હતો અને બંનેને ઝઘડો ન કરવા માટે સમજાવ્યું હતું.
કપિલદેવ બબાલ શાંત કરાવતો હતો ત્યારે ભૂરિયા નામનો યુવક દોડી આવ્યો હતો અને કપિલને કહેવા લાગ્યો હતો કે તૂ ક્યો બીચ મે પડતા હૈ. ભૂરિયાએ તરત જ તેના સાગરીતોને ફોન કરીને બોલાવી લીધા હતા. થોડા સમયમાં તેની સોસાયટીમાં રહેતો દિપક તિવારી, જામફળવાડીમાં રહેતો અમિત જયસ્વાલ, સંતદેવ ટેનામેન્ટમાં રહેતો રાજીવ તેમજ રોહિત સહિત આઠેક લોકો હાથમાં ડંડા અને પાઈપ લઈને આવી પહોંચ્યા હતા.
હથિયાર લઈને આવેલા શખ્સોએ કપિલદેવને કહ્યું હતુ કે તૂને મનોજ કે પિતાજી જાેગેશ્વર કો ક્યો મારા. કપિલદેવ કાંઈ બોલે તે પહેલા માથાભારે શખ્સોએ તેના પર ડંડા અને પાઈપ વડે હુમલો કરી દીધો હતો. આ ઘટના જાેઈને દિલીપ તથા તેના પિતા હુમલાખોરોને કહેવા લાગ્યા હતા કે કપિલ કો ક્યો માર રહે હો.
દિલીપની વાત સાંભળીને હુમલાખોરો તેમના ઘરની તરફ દોડી આવ્યા હતા અને પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ ચાલુ કરી દીધી હતી. આરોપીઓએ દિલીપના બે બાઈક તોડી નાખ્યાં હતા બાદમાં ઘરમાં ઘૂસીને દિલીપ, પૂનમબહેન, નિર્મળાબહેન ચંદાબહેનને માર મારવા લાગ્યા હતા.
દરમિયાનમાં ભૂરિયાએ તેની પાસે રહેલું ચપ્પુ કાઢ્યું હતુ અને ઘરનો સરસામાન તોડવા લાગ્યો હતો. આ સિવાય દિપક, રાજીવ તેમજ અમિતે પણ ઘરના સામાનની તોડફોડ કરી હતી અને બારીના કાચ તોડી નાખ્યા હતા. હુમલાની આડમાં માથાભારે શખ્સોએ દિલીપના ઘરમાંથી પ૦ હજાર રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી. હુમલો કર્યા બાદ આરોપી નાસી ગયા હતા.