અમરેલી સિવિલ કેમ્પસની અંદર દવાની દુકાનોના હવાલે કરી ખુલ્લેઆમ લૂંટ
અમરેલી સિવિલ કેમ્પસમાં જ દવાની ખાનગી દુકાન ધમધમવા લાગી
દર્દીઓને સીટી સ્કેન, દવાઓ સહિતની સુવિધા પૂરી પાડવાના બદલે ખાનગી હાટડાઓના હવાલે કરી ખુલ્લેઆમ
લૂંટ સામે ભારે વિરોધ
અમરેલી, અમરેલીના દર્દીઓને સારી આરોગ્યલક્ષી સેવા મળી રહે તે આશય સાથે સરકારે સરકારી હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટના હવાલે કરી હતી. ખાનગી ટ્રસ્ટે હોસ્પિટલનું સંચાલન સંભાળ્યા બાદ દર્દીઓ સુવિધાના બદલે દુવિધામાં સપડાઈ રહ્યા છે.
અકસ્માતગ્રસ્ત કે અન્ય દર્દીની સેવાર્થે સારવાર માટે આવતા દર્દીઓને સીટી સ્કેન, દવાઓ સહિતની સુવિધા પુરી પાડવાના બદલે ખાનગી હાટડાઓના હવાલે કરી ખુલ્લેઆમ લુંટ સામે ભારે વિરોધની લાગણી છવાઈ છે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ દવાની ખાનગી દુકાન ધમધમી રહી છે.
અમરેલી શહેરમાં આવેલી એ ગ્રેડની સરકારી હોસ્પિટલ પણ સરકારના ખાનગીકરણના વહેણમાં તણાયા બાદ હવે હોસ્પિટલના સંચાલકો દ્વારા માનવતા નેવે મુકી પોતાની મનમાની ચલાવી દર્દીઓને પુરતી સારવાર આપવાના બદલે દર્દમાં કણસતા તરછોડી દેવામાં આવે છે. ગરીબ દર્દીઓને હોસ્પિટલના કેમ્પસમાં જ ખોલી નાખવામાં આવેલા દવાના ખાનગી હાટડા હવાલે કરી દેવામાં આવે છે આટલેથી ન અટકતા હોસ્પિટલમાં સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં પણ દર્દીઓને બહાર ખાનગીમાં સટી સ્કેન કરાવવા ધકેલાઈ રહ્યા છે.
હોસ્પિટલની આરોગ્યલક્ષી સેવાની હાલત ખરેખર ડમ ડમ ઢોલ માહે પોલ જેવી છે. અકસ્માતગ્રસ્ત ગરીબ દર્દી ત્રણ ત્રણ દિવસ સુધી દવાખાનામાં કણસતો હોવા છતાં પણ સારવાર અર્થે કે તપાસવા પણ કોઈ ફરકતા ન હોવાની ફરિયાદ ઉઠી હતી. સરકારે દર્દીઓને આરોગ્યલક્ષી ઉત્તમ સેવા મળી રહેવાની દિશામાં ભરેલુ પગલુ આજે શાંતાબા હોસ્પિટલના કથળેલા વહીવટને કારણે દર્દીઓ માટે અભિશાપ બન્યો હોવાનું અનુભવી રહ્યા છે.