સિનિયર એડવોકેટનું પર્સ ટ્રાફિક પોલીસે પરત આપી ઈમાનદારીનું ઉદાહરણ પૂરૂં પાડ્યું
(એજન્સી)અમદાવાદ, મોટાભાગે સામાન્ય નાગરિકોના રોપનો સૌથી વધુ ભોગ બનતો પોલીસનો કોઈ વિભાગ હોય તો તે ટ્રાફિક પોલીસ વિભાગ છે. કેટલાક લોકો તો નિયમોનું પાલન કરાવતી ટ્રાફિક પોલીસ સાથે સીધો ઝઘડો પણ કરી દેતા હોય છે. પોલીસ ડ્યુટી પણ કરે ત્યારે વાહનચાલકો ઠોલા ઊભા છે તેમ કહીને તેમની બેઈજ્જતી કરતા હોય છે પણ ટ્રાફિક પોલીસની હકીકત કંઈક અલગ જ છે.
તડકો, વરસાદ, ઠંડી કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર ટ્રાફિક પોલીસ તેમની ડ્યુટી પૂરી ઈમાનદારીથી નિભાવતી હોય છે. જેના કારણે તેને દિલથી સલામ કરવાનું પણ મન થાય છે. ટ્રાફિક પોલીસની ઈમાનદારીનો એક કિસ્સો સામે આવ્યો છે. જે જાેઈને તમને પણ ગર્વ થશે. રોડ પરથી મળેલું એડવોકેટનું પાકીટ ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તેમને હેમખેમ પહોંચાડીને તેમની ફરજ નિષ્ઠા દર્શાવી છે.
શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા અજિત મિલ ચાર રસ્તા પાસે ફરજ બજાવી રહેલા ટ્રાફિકના પોલીસ જવાનોને એક એડવોકેટનું રૂપિયાની ભરેલું પાકી મળી આવ્યું હતું. પાકીટમાં મહત્ત્વના ડોક્યુમેન્ટ તેમજ રોકડ હતી. પોલીસે ડોક્યુમેન્ટના આધારે એડવોકેટને ફોન કરીને તેમનું પાકીટ પરત આપીને ઈમાનદારી નું એક ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.
ડ્રાઈવ ઈન રોડ પર આવેલા પાર્થ ઈન્દ્રપ્રથ ટાવરમાં રહેતા ૬૯ વર્ષના ઘનશ્યામભાઈ ઠક્કર હાઈકોર્ટના સિનિયર એડવોકેટ છે. જેમનું પાકીટ ગઈ કાલે રખિયાલ વિસ્તારમાં પડી ગયું હતું. એડવોકેટ તેમના પરિવાર સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે સાંજે તેમનું પાકીટ પડી ગયું હતું. ઘનશ્યામભાઈના પાકીટમાં અગત્યના એવા સરકારી અંગત ઓળખકાર્ડ, કાઉન્સિલ ઓળખકાર્ડ અને આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, કેડિટકાર્ડ, ડેબિટ કાર્ડ સહિત દસ હજારની રોકડ રકમ હતી.
ઘનશ્યામભાઈ તેમના બહેન, બનેવી સાથે ગુરૂકુળથી રિક્ષામાં બેસીને કુંજાડ જઈ રહ્યા હતા ત્યારે રખિયાલ ચાર રસ્તા પર અજાણતા કિંમતી દસ્તાવેજાે અને રોકડ રકમ ભરેલ પાકીટ પડી ગયું હતું. ટ્રાફિક એચ ડિવિઝનના પીઆઈ એ વાય પટેલના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ધીરૂભાઈને આ પાકીટ રસ્તા પરથી મળી આવ્યું હતું. પાકીટમાં ડોક્યુમેન્ટ હોવાના કારણે ધીરૂભાઈએ ઓળખકાર્ડના મોબાઈલ નંબર પર સંપર્ક કર્યાે હતો.
ઘનશ્યામભાઈ સાથે વાત કર્યા બાદ તેમનું પાકીટ ગુમ થયું હોવાની તેમને જાણ થઈ હતી. જેથી તેમણે ધીરૂભાઈને પાકી લેવા આવવાનું કહ્યું હતું. એકાદ કલાક બાદ કુંજાડ મોટાબહેનના ઘરે આવેલા એડવોકેટ ઘનશ્યામભાઈ ઠક્કર જ્યારે પરત તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેઓ પોલીસ કર્મચારીઓને મળ્યા હતા. તમામ પોલીસ કર્મચારીઓ હસી ખુશીથી ઘનશ્યામભાઈને પાકીટ આપ્યું હતું.