Western Times News

Gujarati News

બોપલ, ગોતા અને એરપોર્ટ રોડ પરથી 51 રખડતાં ઢોર પકડાયા

મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ દ્વારા પોલીસ તંત્રની મદદથી હવે શહેરમાં રોજના ૧પ૦થી વધુ ઢોર પકડવાનો ‘ટાર્ગેટ’

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાધીશોએ શહેરીજનોને રખડતાં ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવા માટેના અભિયાનને વધુ વેગવંતું બનાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ તંત્ર દ્વારા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ રખડતાં ઢોર પકડવાની કામગીરીમાં લગાવી દેવાયા છે.

પોલીસ તંત્ર દ્વરા પણ રખડતાં ઢોર પકડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન, રખડતાં ઢોરને પકડવાની તંત્રની કામગીરી હેઠળ સવારે બોપલ, ગોતા અને એરપોર્ટ જેવા રખડતાં ઢોરના હોટસ્પોટ પર તંત્ર ત્રાટક્યું હતું અને પોલીસની મદદથી સવારના ૧૦.૦૦ વાગ્યા સુધીમાં પ૧થી વધુ રખડતાં ઢોરને પકડીને બહેરામપુરા ખાતેના ઢોરવાડામાં પૂરવામાં આવ્યા હતા.

શહેરીજનોને રખડતા ઢોરની રંજાડથી વારંવાર હેરાનગતિ ભોગવવી પડે છે. અમદાવાદ આવનારા અજાણ્યા લોકો તો શહેરમાં ઠેર-ઠેર રખડતાં ઢોરના અડ્ડા જાેઈને હેબતાઈ જાય છે. કેટલાક માથાભારે શખ્સોના કારણે શહેર લાંબા સમયથી એક પ્રકારે ગોકુળિયા ગામમાં ફેરવાઈ ગયું છે. જાે કે હાઈકોર્ટના આકરા વલણ બાદ મ્યુનિસિપલ તંત્રમાં ઉચ્ચ સ્તરેથી રખડતા ઢોર પકડવાની ગામીરીને હાલમાં સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

મ્યુનિસિપલ તંત્રના ટેક્સ વિભાગ, નાણાં વિભાગ, હેલ્થ વિભાગ સહિતના અન્ય મહત્ત્વપૂર્ણ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને પણ રખડતાં ઢોર પકડવાની કામગીરી સોંપાઈ છે. તંત્રે પોલીસની મદદથી શહેરભરમાં આક્રમક વલણ અપનાવીને કુલ ર૧૬ રખડતાં ઢોર એક જ દિવસમાં પકડયા હતા અને તેને ઢોરવાડામાં પૂર્યા હતા.

આજે સવારે મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગે પોલીસની મદદ લઈને બોપલ, ગોતા, અને એરપોર્ટ રોડ જેવા રખડતાં ઢોરના હોટસ્પોટ પર ત્રાટકીને સવારના ૧૦.૦૦ વાગ્યા સુધીમાં જ પ૧થી વધુ ઢોરને પકડી પાડ્યા હતા. ગઈકાલે રખડતાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન નંબર પ્લેટ વગરના બાઈક લઈને ફરનારા વિષ્ણુ રબારી અને કાલુ ભરવાડની સામે ફરજ પરના સ્ટાફે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જાે કે, આજે સવારે આવો કોઈ અજુગતો બનાવ બન્યો નથી. જે તે સ્થળે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખડેપગે ઢોર પકડવાની કામગીરી દરમિયાન ફરજ બજાવતો હોવાથી તેમાં અવરોધ ઊભા કરનારા માથાભારે શખ્સોમાં પણ હવે બારે ફફડાટ ફેલાઈ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૧ સપ્ટેમ્બર, ર૦ર૩થી મ્યુનિસિપલ તંત્ર દ્વારા નવી ઢોર નિયંત્રણ પોલિસી જાહેર કરાઈ છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં નવ ટીમ દ્વારા ત્રણ શિફ્ટમાં ફરજ બજાવવામાં આવે છે અને ચાલુ ઓક્ટોબર માસમાં ગઈકાલ સુધીમાં તંત્રે ર૦૩ર રખડતાં ઢોરને પકડીને બહેરામપુરા ખાતે આવેલા ઢોરવાડામાં પૂરી દીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.