પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રો શરુ થવાથી તાજી અને ચોખ્ખી શાકભાજી લોકોને મળશે
કરજણ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ યોજાયો-કરજણ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનો પ્રારંભ
(માહિતી) વડોદરા, વડોદરા જિલ્લાના કરજણ ખાતે રાજ્ય સરકારના સહયોગ અને આત્મા પ્રોજેક્ટ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનું એસ.પી.એન.એફ સંયોજક પ્રફુલ્લ દાદા તેમજ નીલકંઠ ધામ પોઈચાના શ્રી કેવલ્ય સ્વરૂપ સ્વામીના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર પર ખેડૂતો પોતાની પ્રાકૃતિક પેદાશોનું સીધી રીતે વેચાણ કરી શકશે. જેના કારણે તેઓને વેચાણમાં નફો તેમજ ગ્રાહકોને ચોખ્ખો રસાયણમુક્ત પ્રાકૃતિક પેદાશો મળી રહેશે. આ કેન્દ્ર પરથી થતા વેચાણ અને ખરીદીમાં વેચનાર તેમજ લેનાર બંનેને ફાયદો થશે. કરજણમાં શિનોર,પાદરા અને કરજણ (શિપાક) એસ.પી.એન. ફાર્મિંગ પ્રોડ્યુસર કંપની લી. ની રચના કરવામાં આવી છે.
જેના દ્વારા આવનાર સમયમાં ઓનલાઇન વેચાણ પણ શરૂ કરવામાં આવશે. બજારમાં મળતી વસ્તુઓ રાસાયણિક, ભેળસેળયુક્ત અને ભાવમાં ગ્રાહકોને પોસાતી હોતી નથી જ્યારે અહીં પ્રાકૃતિક કેંદ્ર પર ખેડૂતો દ્વારા ઉત્પાદિત પરકૃતિક તાજી શાકભાજી, ફળો , કઠોળ, ઘી તેમજ રસોડાના કરિયાણા માટે વપરાતી મોટાભાગની ખાદ્ય વસ્તુઓ તાજી અને ચોખ્ખી મળશે જેનો ખરીદનારને પણ આત્મ સંતોષ થશે.
આ પ્રાકૃતિક વેચાણ કેન્દ્રમાં અનેક સખી મંડળો દ્વારા બનાવાયેલ પ્રોડક્ટનું પણ વાજબી ભાવે વેચાણ કરવામાં આવશે જેથી કરીને આ કેન્દ્ર થકી ખેડૂતો તેમજ મહિલાઓને પણ રોજગાર અને વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહેશે. પ્રાકૃતિક ખેતીમાં જેમ બને એમ મહિલાઓ પણ મોટેભાગે સંકળાય એ ખુબ જ જરૂરી છે.
આ વેચાણ કેન્દ્રનું પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા સંચાલન કરવામાં આવશે. આ કેન્દ્ર આ પ્રાકૃતિક ખોરાકમાં દરેક રોગને જડથી દૂર કરવાની ક્ષમતા હોય છે એમ પ્રફુલ્લ દાદાએ ખેડૂતોને સમજાવતાં કહ્યું હતું.
આ સેમિનારમાં નીલકંઠ ધામ પોઇચાના શ્રી કેવલ્ય સ્વરૂપ સ્વામી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી હાલોલના કુલપતિ ડો.સી.કે ટિંબડિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવા, આત્માના નિયામક જે.ડી.ચારેલ તેમજ ભરૂચના વતની અને હાલ દુબઈમાં સ્થાયી થયેલ અને પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ જયદીપસિંહ યાદવ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.