સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે ફુટ ઓવર બ્રીજ કામગીરી અનુસંધાને અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરાયું
હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે ફુટ ઓવર બ્રીજ (FOB)નું નિર્માણની કામગીરી અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
અમદાવાદ શહેરમાં મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે ફુટ ઓવર બ્રીજ (FOB)નું નિર્માણ કરવામાં આવનાર છે. જે કામગીરી દરમિયાન આ ફુટ ઓવર બ્રીજ (FOB)ના લોખંડના જુદા જુદા પાર્ટ્સ હેવી ક્રેઇન મારફતે ફીટ કરવામાં આવનાર છે. આ કામગીરી સાબરમતી રેલ્વે સ્ટેશનથી સાબરમતી જુની સેન્ટ્રલ જેલના ગેટ સુધી આશરે ૨૦૦ મીટર રોડ બન્ને બાજુથી બંધ કરી, રેલ્વે ટ્રેક પાસે ફુટ ઓવર બ્રીજ (FOB) બનાવવામાં આવનાર છે.
જેમાં બાંધકામ કરનાર એજન્સી બી. એલ. કશ્યપ & સન્સ લીમીટેડ, જશોલા, નવી દિલ્હીની રજુઆત મુજબ રસ્તો બંધ કરવામાં આવે તો રોજીંદા ટ્રાફિકને વાંધા સરખુ ન હોય જેથી નીચે મુજબની રીતે વાહન વ્યવહાર માટે રસ્તો બંધ/ડાયવર્ઝન કરવામાં આવે છે
હું, જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે ફુટ ઓવર બ્રીજ (FOB)નું નિર્માણ કરવાની કામગીરી દરમિયાન ટ્રાફીક સુચારુ રીતે ચાલે અને ટ્રાફીકની કોઇ સમસ્યા ઉદભવે નહીં તે હેતુસર નીચે મુજબનો રસ્તો બંધ/ડાયવર્ઝન કરવા હુકમ કરૂ છું.
વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગ ની વિગત :
સાબરમતી રેલ્વે સ્ટેશનનાં પ્રવેશ દ્વારથી ૫૦ મીટર આગળથી જુની સેન્ટ્રલ જેલ તરફ જતો રોડ આશરે ૨૦૦ મીટર બન્ને બાજુથી સંપુર્ણપણે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત :
(૧) સુભાષબ્રીજ આર.ટી.ઓ. સર્કલ તરફી આવતો ટ્રાફિક આર.ટી.ઓ. સર્કલ થઇ ૧૩૨ ફુટ રોડ થઇ ડી-માર્ટ થઇ રાણીપ ગામમાં તથા સેન્ટ્રલ જેલ જઇ શકશે.
(૨) કાળીગામ, રાણીપ ગામ તરફથી તથા અન્ય રહેઠાણવાળા માણસો રાણીપ પોલીસ ચોકી (રાણીપ સર્કલ) થઇ ડી-માર્ટ થઇ ૧૩૨ ફુટ રીંગ રોડ થઈ ડાબી બાજુ વળી આર.ટી.ઓ. સર્કલ, શાહીબાગ તથા આશ્રમ રોડ જઇ શકશે. ડી-માર્ટથી જમણી બાજુ વાડજ તરફ પણ જઇ શકાશે. તેમજ રાણીપ ચોકી થઇ સેન્ટ્રલ જેલ જઇ શકાશે.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૦૨/૧૧/૨૦૨૩થી તા.૦૫/૧૧/૨૦૨૩ (દિન-૪) સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત / અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ- ૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.