અમરેલીમાં ધોરણ-૯ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની ઢળી પડી
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે ત્યારે આજે ફરી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એક જ દિવસમાં ૨ લોકોના મોત થયા છે. એક સમયે કોરોના અને તેનાથી થતાં મોતે ચિંતા જગાડી હતી. ત્યારે વર્તમાનમાં હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે.
સુરત જિલ્લામાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું છે. દરજી કામ કરતા ૫૦ વર્ષીય વસંત ભાઈ ચૌધરીને છાતીમાં દુખાવો થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જેમનુ હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતક મૂળ ઉમરપાડાના વાડી ગામના વતની હતા.
અત્રે જણાવીએ કે, વસંત ચૌધરી ઉમરપાડાના આંબાવાડી ગામે રહેતા હતા અમરેલીમાં ધોરણ-૯ના અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું હાર્ટએટેકથી મોત થયાનું જાણવા મળ્યું છે. શાંતાબા ગજેરા સંકુલની વિદ્યાર્થિનીને હાર્ટએટેક આવ્યો હતો. પરીક્ષા દરમિયાન સાક્ષી રોજાસરા નામની વિદ્યાર્થિનીને હાર્ટએટેક આવ્યા હતો તે દરમિયાન વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યા હાજર તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી.
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે મહેમદાવાદમાં બાઇક સવારને હાર્ટ અટેક આવી જતાં સીપીઆર ટ્રીકથી જિંદગી બચાવી હતી.
મહેમદાવાદના આમસરણ પાસે એક બાઈક ચાલકને રોડ પર જ હાર્ટ અટેક આવ્યો હતો. આ સમયે તાત્કાલિક ખેડા જિલ્લા હોમગાર્ડ દળમાં ફરજ બજાવતા બે જવાને બાઈક ચાલકને સીપીઆર આપી તેનો જિંદગી બચાવી હતી. મહેમદાવાદ યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડ દળના મનોજભાઈ વાઘેલા અને અબ્દુલ કાદર મલેકે સીપીઆર આપીને બાઈક ચાલકનો જીવ બચાવ્યો હતો.