દિલ્હીમાં પ્રદૂષણ ઘટતાં બાંધકામ અને ટ્રકના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવાયો
(એજન્સી)નવીદિલ્હી, દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં પ્રદૂષણનું સ્તર ઘટી ગયું છે. રવિવારે સવારે ૭ વાગે શહેરનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (એકયુઆઇ)૨૯૦ હતો. જયારે શનિવારે ૩૧૯, શુક્રવારે ૪૦૫ અને ગુરુવારે ૪૧૯ નોંધાયા હતા. આજે પણ તેમાં ઘટાડો નોધાયો છે પ્રદૂષણ ઘટતું જાેઇને ૧૪ દિવસ પછી દિલ્હીમાંથી ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન હટાવી દેવામાં આવ્યો છે. વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને તેને ૫ નવેમ્બરના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.
હવે શહેરોમાં બાંધકામ અને ટ્રકોના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. બીજી તરફ દિલ્હીમાં સોમવારથી શાળાઓ ફરીથી ખોલવામાં આવી રહી છે. પ્રદૂષણને કારણે સરકારે ૮ નવેમ્બરે શાળાઓમાં ૧૦ દિવસનું શિયાળુ વેકેશન જાહેર કર્યુ હતું. દિલ્હીમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો જાેઇને દિલ્હીના પર્યાવરણ મંત્રી અને આપ નેતા ગોપાલ રાયે કહ્યું – છેલ્લા બે દિવસમાં દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં સુધારો થયો છે. ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન-૪ પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે,
પરંતુ હું દિલ્હીના લોકોને સતર્ક રહેવા વિનંતી કરું છું. ટ્રકોના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે, બીએસ-૩ પેટ્રોલ અને બીએસ-૪ ડીઝલ વાહનો પરનો પ્રતિબંધ હજુ પણ અમલમાં છે. દિવાળી પહેલા વરસાદને કારણે રાહત થઇ હતી,પરંતુ તહેવાર પર લોકોએ ફરીથી ફટાકડા ફોડીને હવા બગાડી હતી. જાે કે હવે હવામાં થોડો સુધારો થયો છે.
આ દરમિયાન દરેકે સાવચેતી રાખવી પડશે. દિવાળી પછી પ્રદૂષણ વધવાને કારણે દિલ્હી સરકારે લોકોને સવાર-સાંજ ચાલવા અને શારીરિક કસરત ટાળવાની સલાહ આપી છે. દિલ્હીના આરોગ્ય વિભાગે ૧૧ નવેમ્બરના રોજ એડવાઇઝરી જારી કરી હતી. જેમાં લોકોને ફટાકડા ન ફોડવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોને મચ્છર ભગાડનારા કોઇલ કે અગરબત્તી ન બાળવા પર કહેવામાં આવ્યું હતું.