ઈરમાના નિર્માણ માટે ડો. કુરિયને એક કલાકમાં જ ફંડની વ્યવસ્થા કરી હતી
આણંદ, વર્ષ ૧૯૮૦ની વાત છે, જ્યારે ભારતમાં સૌપ્રથમ વખત ગામડા માટેના મેનેજર તૈયાર કરવા માટે શ્વેતક્રાંતિના પ્રમેતા ડો. કુરિયન દ્વારા IIMની સમાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એટલે ઈરમાની (IRMA) સ્થાપના કરવામાં આવેલી. ઈરમામાં શૈક્ષણિક કાર્ય શરૂ થયાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ઈરમાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી નહોતી.
એ સમયે ડો. કુરિયને ઈરમાના પ્રથમ પદવીદાન સમારોહમાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને આમંત્રિત કરતાં મંત્રાલય હરકતમાં આવી ગયું અને દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ ઈરમાના બિલ્ડીંગના નિર્માણ માટે ડો. કુરિયને માત્ર એકજ કલાકમાં ફંડની વ્યવસ્થા કરી હતી.
ઈરમાના પૂર્વ ડિરેક્ટર ડો. કતારસિંહ ડો. કુરિયન સાથેના વીતાવેલા દિવસોનું સ્મરણ કરતાં જણાવેલું કે, વર્ષ ૧૯૮૦ ઈરમામાં પ્રોફેસર તરીકે જાેડાવા માટે આવ્યો ત્યારે ડો. કુરિયન સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. ડો.કુરિયન મજાકીયા સ્વભાવના હતા. ઈરમામાં જાેડાયા બાદ પ્રથમ મેં તેઓની સાથે એડમિનિસ્ટ્રેશન કોઓર્ડિનેટર તરીકે કામ કર્યું હતું.
એ સમયે ઈરમાની પોતાનું સ્વાયત્ત બિલ્ડગ નહોતી, એટલે એનડીડીબીની ડાયગ્નોસ્ટિક લેબોરેટરીમાં બેસતાં હતા. ઈરમાની પ્રથમ બેંચના એડમિશન થઈ ગયા અને શૈક્ષણિક કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ડો. કુરિયનની મહેનતથી ઈરમાની દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ બિલ્ડીંગના નિર્માણ માટે ફંડની આવશ્યકતા હતી. યુરોપના પ્રવાસેથી પરત ફરતાં ડો. કુરિયન સ્વીસ એજન્સી ફોર ડેવલપમેન્ટ કોઓપરેશન સાથે વાત કરવા માટે થોડો સમય રોકાયા હતા.
જ્યાં તેઓએ ગ્રામ્ય વિસ્તારમરાં કામ કરી શકે તેવા મેનેજર તૈયાર કરવા માટે ઉભી કરાયેલી મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઈરમા વિશે વાત કરી. તે સમયેમાત્ર એક કલાકની મુલાકાતમાં જ સ્વીસ એજન્સી ફોર ડેવલપમેન્ટ કોઓપરેશને ઈરમા કેમ્પસના નિર્માણ માટે ફંડ આપવા રાજી થઈ ગયા હતા. આ ઉપરાંત NDDB દ્વારા પણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.