ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર થતી ખનીજચોરી રોકવા સુરેન્દ્રનગર કલેકટરને આવેદન
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર ખનીજચોરી દબાણો તેમજ ભુમાફીયાઓની દાદાગીરીના બનાવો વધી રહયા છે. ત્યારે થોડા દિવસો પહેલા ચોટીલા તાલુકાના દેવસર ગામે ગેરકાયદેસર ખનીજચોરી મુદે ભુમાફીયાઓ દ્વારા ગ્રામજનો સાથે ઝપાઝપી કરી હથીયારો સાથે ધમકી આપી હોવાનો વીડીયો સામે આવ્યો હતો.
જે મુદે દેવસર ગામના ગ્રામજનો અને આગેવાનોએ સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર તેમજ ડીએસપી કચેરી ખાતે લેખીત રજુઆત કરી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ દેવસર ગામે છેલ્લા ઘણા સમયથી ભુમાફીયાઓ તેમજ માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી તેમજ ગામમાં દબાણો કરવામાં આવી રહયા છે. જે અંગે અનેક વખત ગામના સરપંચ સહીત આગવાનો અને ગ્રામજનોએ સ્થાનીક પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગને લેખીત રજુઆતો કરી હતી પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નથી.
ત્યારે તાજેતરમાં ભુમાફીયા અને તેમના સાગરીતો દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી મામલે ગ્રામજનો સાથે બોલાચાલી કરી હતી અને બંદુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો વીડીયો પણ સોશીયલ મીડીયામાં વાયરલ થયો હતો. તેમ છતાંય ભુમાફીયાઓ સાથે કોઈપણ જાતની કડક કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોએ જીલ્લા કલેકટર તેમજ ડીએસપીને આ અંગે લેખીત રજુઆત કરી હતી.