i-Hub દ્વારા રાજ્યના સ્ટાર્ટઅપ્સ માટે 1.50 લાખ ચોરસ ફૂટમાં અત્યાધુનિક કોમ્પલેક્સ વિકસિત કરવામાં આવ્યું
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ i-Hub કોમ્પલેક્સનું કરશે લોકાર્પણ-આ અત્યાધુનિક કોમ્પલેક્સમાં એક જ જગ્યાએથી 500 સ્ટાર્ટઅપ્સ કામ કરી શકશે
SSIP હેઠળ સ્થાપિત ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના એક અત્યાધુનિક કોમ્પલેક્સનું ઉદ્ધાટન તારીખ 5 ડિસેમ્બરના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. આ સર્વસમાવેશક સેન્ટર અત્યાધુનિક સુવિધાઓની સાથે ઉદ્યોગસાહસિકતા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું 1,50,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલુ સૌથી મોટું કેન્દ્ર હશે, જ્યાં એકસાથે એક જ જગ્યાએથી 500 સ્ટાર્ટઅપ્સ કામ કરી શકશે.
દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિકસિત કરવા માટે તેમજ દેશના યુવાનો ‘જોબ સીકર’ ને બદલે ‘જોબ ગિવર’ બને તે ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ મિશન શરૂ કર્યું છે. આ મિશન માટે કામ કરવામાં ગુજરાત મોખરે રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 (SSIP 2.0) પણ જાહેર કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સ માટે સુવિધાઓ વિકસિત કરવામાં ગુજરાત એક કદમ આગળ વધી રહ્યું છે.
પ્રારંભિક તબક્કાના 500 સ્ટાર્ટઅપ્સને સપોર્ટ
i-Hub દ્વારા વિકસિત આ અત્યાધુનિક કોમ્પલેક્સ ફ્લેક્સિબલ, પ્રારંભિક સ્ટાર્ટઅપ્સને અનુકૂળ અને સહયોગી કો-વર્કિંગ સ્પેસનું મિશ્રણ છે, જે વિચારોના આદાન-પ્રદાનને પ્રોત્સાહિત કરશે. સાથે જ તેની ભવિષ્યવાદી અને અદ્યતન ટેક્નોલોજી સાથે બનાવવામાં આવેલી લેબમાં પ્રારંભિક સ્ટાર્ટઅપ માટેની તમામ સુવિધાઓ હશે. આ ઉપરાંત, આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં પ્રારંભિક તબક્કાના 500 સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવામાં આવશે. અત્યાર સુધીમાં i-Hub દ્વારા 429 સ્ટાર્ટઅપ્સને ઈન્ક્યુબેશન સપોર્ટ આપવામાં આવ્યો છે જેની વેલ્યુ 2300 કરોડ છે અને 430 કરોડની ક્યુમીલેટીવ રેવન્યુ જનરેશન થઈ છે. તો 1400 નોકરીની તકોનું સર્જન થયુ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં વર્ષ 2019, 2020 અને 2021 એમ સતત ત્રણ વર્ષો સુધી ગુજરાત બેસ્ટ પર્ફોમર રાજ્ય રહ્યું હતું. યુવાનોને રોજગાર આપીને, તેમને કૌશલ્ય પ્રદાન કરીને અને તેમને સન્માન અને ગૌરવ આપીને એક નવીન દ્રષ્ટિકોણ સાથે ગુજરાત સરકારે રાજ્યની વિકાસયાત્રાને આગળ વધારી છે.
i-Hub દ્વારા વિકસિત સેન્ટરની વિશેષતાઓ
કો-વર્કિંગ સ્પેસ: i-Hub સ્ટાર્ટઅપ્સને કો-વર્કિંગ સ્પેસ ઓફર કરે છે જે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સહિતની મૂળભૂત સુવિધાઓથી સુસજ્જ છે અને તેનો પ્લગ-એન-પ્લે મોડલમાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે. 1,50,000 ચોરસ ફૂટનું સંપૂર્ણ નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યુ છે, જેમાં એકસાથે 500 સ્ટાર્ટઅપ્સ કામ કરી શકશે.
નેટવર્કીંગની તકો: i-Hub એ દેશ અને વિદેશમાં અનેક સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે, જેનો લાભ સ્ટાર્ટઅપ્સને મળશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપોર્ટ: તમામ સ્ટાર્ટઅપ્સને મીટિંગ રૂમ, સેમિનાર રૂમ, કોન્ફરન્સ રૂમ અને લાઇબ્રેરી જેવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પુરો પાડવામાં આવશે, જેનો ઉપયોગ વિના મૂલ્યે અથવા ઓછા ખર્ચે કરી શકાશે.
360° મેન્ટરશિપ: માર્ગદર્શન અને મેન્ટરશીપ માટે સ્ટાર્ટઅપ્સને i-Hubના મેન્ટર બોર્ડની ઍક્સેસ આપવામાં આવી છે. આ મેન્ટર બોર્ડમાં બિઝનેસ મોડેલિંગ, ડિઝાઇનિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, સ્કેલ-અપ સ્ટ્રેટેજી વગેરે જેવા વિવિધ ડોમેન વર્ટિકલ્સના જાણીતા નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
આઇપીઆર સપોર્ટ: i-Hub ઇન-હાઉસ સ્ટેટ આઇપી ફેસિલિટેશન સેન્ટર દ્વારા સ્ટાર્ટઅપ્સને પેટન્ટ અને ટ્રેડમાર્ક સપોર્ટ પૂરો પાડે છે. i-Hub સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ્સ માટે પેટન્ટ અને ટ્રેડમાર્ક ફાઇલ કરવા માટેનો તમામ ખર્ચ રીએમ્બર્સ કરી આપવામાં આવે છે.
ભંડોળ સહાય: i-Hub વિવિધ યોજનાઓ હેઠળ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડે છે. યોગ્યતા ધરાવતા તમામ સ્ટાર્ટઅપ્સને મૂડી સપોર્ટની ઍક્સેસ મળે છે. ઉપરાંત, ખાનગી મૂડી એકત્ર કરવા માટે સ્ટાર્ટઅપ્સને 28 એન્જલ રોકાણકારો અને 12 પ્રારંભિક તબક્કાના વેન્ચર ફંડ્સની ઍક્સેસ પણ મળી શકે છે.