ખેડા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સામે પગલાં ભરવા કોંગ્રેસની માંગ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિઆદ સહિત જિલ્લાના સંખ્યાબંધ વિસ્તારોમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળના દૂષણે માઝા મૂકી છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી આવા કેસોમાં ફરિયાદ દાખલ કરી સંડોવાયેલા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા તેમજ બે જવાબદાર બનેલ ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારીઓ પગલા ભરવા માંગ કરવામાં આવી છે
નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ તેમજ કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા છ – સાત મહિનાથી નડિઆદ અને તેની આસપાસના વિસ્તારો જેવાં કે મહેમદાવાદ રોડ અને કમળા રોડ પર લોટમાં કેમિકલ ભેળવી હળદર – મસાલા બનાવવાની એક નહીં પણ ત્રણ ફેકટરી પકડાઇ છે. જેમાં નવાઇની વાત તો એ છે કે લોટ બનાવવા માટે મધ્ય પ્રદેશ અને હરિયાણાથી રેશનીંગના ઘઉં અને ચોખાનો જથ્થો લાવવામાં આવતો હતો.
તેથી અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવન જીવતા લોકો માટે ફાળવવામાં આવતા અનાજ (રેશનીંગના ઘઉં અને ચોખા)નો જથ્થો મધ્ય પ્રદેશ અને હરિયાણાથી ગુજરાતમાં લાવવામાં કોણ – કોણ સંડોવાયેલા છે તેની જિલ્લા પુરવઠા અધિકારીએ જે તે સમયે જવાબદારીપૂર્વક ખૂબ જ ઉંડાણભરી તપાસ કરવી જોઇતી હતી
અને રેશનીંગના અનાજનો ગેરકાયદેસર જથ્થો લાવનારાઓને ઓળખી કાઢી કાળાબજાર નિયંત્રણ ધારા હેઠળ પાસામાં ધકેલવાની કાર્યવાહી કરવી જોઇતી હતી. પરંતુ જિલ્લાનું ભ્રષ્ટ વહીવટી તંત્ર ગુનેગારોને છાવરી રહ્યુ છે અને તેથી આજદિન સુધી કોઇ કાર્યવાહી હાથ ધરેલ નથી. તેથી ખેડા જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનારાઓની સંખ્યામાં અને હિંમતમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે
વધુ માં જણાવ્યું છે કે તાજેતરમાં માતર જીઆઇડીસીમાંથી નકલી ઇનો બનાવવાની ફેક્ટરી પકડાઇ છે, નડિઆદ તાલુકાના કંજોડા ગામમાંથી નકલી ઘી બનાવવાની ફેકટરી પકડાઇ છે, નડિઆદ તાલુકાના અલીન્દ્રા ગામમાંથી નકલી બાયો – ડીઝલ પકડાયું છે, ગત્ અઠવાડિયા સુધી નડિઆદ અને મહુધા તાલુકાના સંખ્યાબંધ ગામડાઓમાં આયુર્વેદિક સિરપના નામે નશીલા (ઝેરી) પદાર્થોનું વેચાણ થઇ રહ્યુ હતું.
જે પીવાથી ઓછામાં ઓછા સાત જેટલી વ્યક્તિઓના જીવ ગયા છે અને સંખ્યાબંધ લોકોએ સારવાર લેવી પડી છે ગઇકાલે કપડવંજ તાલુકામાંથી ભેળસેળયુક્ત ખાદ્યતેલના એક હજાર જેટલા ડબ્બા અને જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેટ લેબલો મળી આવ્યા છે. આ બધુ જોતા એવુ લાગે છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડા જિલ્લાને ગુનાઇત પ્રવૃત્તિ કરનારાઓ માટે સલામત વિસ્તાર તરીકે વિકસાવવામાં આવી રહ્ય છે
નડિઆદ સહિત સમગ્ર જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનુ કૌભાંડ સમયાંતરે બહાર આવી રહ્યુ છે પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓમાં આરોગ્ય માટે હાનિકારક એવા પદાર્થોની ભેળસેળ રોકવા માટે વર્તમાન કાયદામાં સજાની જે જોગવાઇ છે તે અપૂરતી હોય તેમ જણાય છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ રોકવા માટે અવાર નવાર દરોડા પાડવામાં આવે છે, સેમ્પલ લેવામાં આવે છે અને તેના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે પરંતુ તેના રીપોર્ટ તૈયાર કરવામાં ખૂબ જ લાંબો સમય પસાર થઇ જાય છે ત્યાં સુધીમાં તો ભેળસેળયુક્ત ખાદ્ય ચીજોનો જથ્થો સેંકડો લોકોના ઘર સુધી પહોંચી ગયો હોય છે અને આરોગી ચૂક્યા હોય છે.