માવલ ચેકપોસ્ટ પરથી સવા બે કરોડના સોનાના દાગીના સાથે બે ઝડપાયા
ગુજરાતમાં ઘુસાડાતાં ઘરેણાંનાં બિલ ન બતાવતાં કાર્યવાહી
અમીરગઢ, બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર અનઅધિકૃત રીતે ગુજરાતમાં લઈ જવામાં આવતા સવા બે કરોડના સોનાનાં ઘરેણાં સાથે બે શખસોની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
ગુજરાત રાજસ્થાનની સરહદની અતિસંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર પોલીસ રૂટિન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાતમાં પ્રવેશવા જતી એક મહારાષ્ટ્ર પાસિંગની કાર પર શંકા જતાં બોર્ડર પર ફરજના કર્મચારીઓ દ્વારા તેને રોકાવી તેમાં તપાસ કરતાં કારમાં ત્રણ ચોરખાના બનાવેલ હતા. જેમાં સોનાના દાગીના ભરેલા હતા.
આથી પોલીસ દ્વારા દાગીનાના બિલ માંગતા કાર ચાલક પાસે કોઈપણ પ્રકારના બીલો ન હતા. આથી સોનાના દાગીના સાથે કારમાં સવાર બે જણાની અટકાયત કરી તેઓની વધુ તપાસ કરતા જીએસટી વિભાગને જાણ કરતાં જીએસટીના એસીટીઓ હરચંદરામ અને રાજેશ્વરી વિશ્નોઈ ચેકપોસ્ટ પર આવ્યા હતા અને પકડાયેલા સોનાનું વજન કરતાં ૩પ૭૭.પ૦ ગ્રામ નીકળ્યું હતું.
જેની કિંમત આશરે સવા બે કરોડ આંકવામાં આવી હતી. કારમાં સવાર બે જણાની અટકાયત કરી આવેદ્ય સોનુ રાજસ્થાનથી ગુજરાતમાં કયાં લઈ જવામાં આવતું હતું તેનું તપાસ કરવામાં આવી રહેલ છે. પકડાયેલા આરોપીઓમાં પ્રમોદ તીર્થંરાજ બ્રાહ્મણ (રહે. સેતાપુર, અંતુ, જિ. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ), તેમજ સુરેન્દ્ર દેવીસિંહ રાવ (રહે. ભીટવાડા સાદડી, જિ. પાલી, રાજસ્થાન)નો સમાવેશ થાય છે.